વડોદરામાં શિક્ષણ સમિતિના 570 કર્મચારીઓ દ્વારા કાયમી કરવાની માંગણી સાથે ભૂખ હડતાળનો પ્રારંભ
Vadodara Hunger Strike : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના 570 કર્મચારીઓને કાયમી કરવાની વર્ષો જૂની માંગણી નહીં સંતોષાતા આજથી ભૂખ હડતાલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. હાથમાં બેનરો અને પ્લે કાર્ડ લઈને સૂત્રોચાર ગજવી ભૂખ હડતાલ શરૂ કરી જ્યાં સુધી માંગણી નહીં ઉકેલાય ત્યાં સુધી નહીં હટવા નિર્ણય કરવામાં આવ્યો હોવાનું સંઘના પ્રમુખ નિલેશ રાજે જણાવ્યું હતું. શિક્ષણ સમિતિની મુખ્ય ઓફિસ ખાતે ભૂખ હડતાલ પર 570 કર્મચારીઓ માંથી જે નિવૃત્ત થઈ ચૂક્યા છે તે હાલ નોકરી પર ચાલું છે તે અને જે કર્મચારીઓના મૃત્યુ થયા છે તેઓના વારસદારો આ ભૂખ હડતાલમાં જોડાયા છે.
હજુ ત્રણ દિવસ પહેલા કોર્પોરેશન ખાતે આ પ્રશ્નના ઉકેલ માટે જે સાત સભ્યોની સમિતિ રચવામાં આવી છે, તેની બેઠક યોજાઈ હતી, પરંતુ બેઠકની ફળશ્રુતિમાં પ્રાથમિક શિક્ષણ સમિતિ ચોથા વર્ગ કર્મચારી સંઘને કશું નક્કર નહીં જણાતા અગાઉની ચીમકી અનુસાર છેવટે ભૂખ હડતાલનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. સંઘ દ્વારા શિક્ષણ સમિતિના બાળમેળાની કામગીરીનો પણ બહિષ્કાર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે 1977 થી આ લડત ચાલુ છે. છેલ્લા 47 વર્ષથી કર્મચારીઓ લડત ચલાવી રહ્યા છે. 570 કર્મચારીઓમાંથી હાલ 115 નોકરી પર છે. 70 થી 80 મૃત્યુ પામી ચૂક્યા છે, અને બાકીના નિવૃત્ત થયા છે. સંઘ દ્વારા એરિયર્સ છોડવાની તૈયારી દર્શાવી છે. જ્યારે પેન્શન અને પગારની માગણી ચાલુ રાખી છે. જો કર્મચારીઓને કાયમી કરવામાં આવે તો કોર્પોરેશન પર વાર્ષિક 8 કરોડનો બોજો વધી શકે તેમ છે.