રાભડા શાળાના પ્રા.શિક્ષકને માસિયાઈ બહેનના દિકરાએ 57 લાખનો ચૂનો ચોપડયો

Updated: Oct 13th, 2023


Google NewsGoogle News
રાભડા શાળાના પ્રા.શિક્ષકને માસિયાઈ બહેનના દિકરાએ 57  લાખનો ચૂનો ચોપડયો 1 - image


શેરબજારમાં ઊંચું વળતર અપાવી દેવાની લાલચ આપી સુરત રહેતા શખ્સે સગાને જ નિશાન બનાવ્યા : શિક્ષકે લાલચમાં આવી જઈ જુદા જુદા સમયે રૂ. 1 કરોડ 13  લાખ જેવી જંગી રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરી, થોડો સમય વળતરની રકમ આવ્યા બાદ બંધ થઈ ગઈ

અમરેલી, :  દામનગર નજીક આવેલી રાભડા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા એક શિક્ષકે શેરબજારમાં ઊંચા વળતરની લાલચમાં રૂ. 57  લાખ ગૂમાવી દીધાની ઘટના પોલીસમાં નોંધાઈ છે. આ શિક્ષકને સુરત રહેતી એમની માસિયાઈ બહેનના દીકરાએ શેરમાં જોરદાર વળતર આપવાની વાતો કરી જુદા જુદા સમયે એક કરોડ તેર લાખ જેવી જંગી રકમ ઓનલાઈન મેળવી લીધા બાદ આ માહેની અડધી રકમ પરત કર્યા પછી  બાકીની રકમ શેર બજારમાં હારી ગયાનું કહી નાણાં ચૂકવવામાં હાથ ઊંચા કરી લેતા મામલો પોલીસ મથકે પહોચ્યો છે. 

બનાવની વધુ વિગત મુજબ દામનગર નજીક રાભડા ગામે પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા જયેશભાઈ વલ્લભભાઈ વિસાવડિયાને એક સામાજિક પ્રસંગમાં સુરતના યોગીચોકમાં ક્રિસ્ટલ લક્ઝુરિયામાં રહેતા માસીયાઈ બહેનના દીકરા કુલદીપભાઈ ભાવેશભાઈ શેલડિયાએ પોતે એક શેર કન્સલટન્સીમાં કામ કરે છે. અને શેરબજારમાં સારૂ વળતર મળશે એમ કહી જૈનમ કન્સલટન્સીમાં રોકાણ કરવાની સલાહ આપી રૂ.એક લાખની સામે રોજના રૂ. 500ના દરે વળતર મળશે એવી વાત કરી હતી. આથી તેની વાતમાં અને લોભ લાલચમાં સરકી જઈને આ શિક્ષકે પોતાના મિત્રોને પણ આ કરવા જેવું છે કહીને એના મિત્રોને તથા પોતાના પત્ની, પુત્રો, દીકરીઓ અને અન્યોના જુદી જુદી બેન્કોના એકાઉન્ટમાંથી છુટક છુટક રૂ. 1,13,12,000 ટ્રાન્સફર કર્યા હતા. એ પછી થોડા સમય સુધી કુલદીપ શેલડિયાએ વળતરરૂપે નાણાં મોકલ્યા બાદ બંધ કરી દીધા હતા. આથી રોકાણની રકમ પરત માંગતા તારા પૈસા સુરક્ષિત છે, થોડા દિવસમાં તારા નીકળતા વળતરના અને મુળ રકમ પરત આપી દઈશ. એ વાત પછી થોડા દિવસ બાદ કુલદીપે ફરી ફોન કરીને કહ્યું હતું કે જૈનમ  બ્રોકિંગ લિમીટેડની શાખાના અમારા સાહેબ જુદા થઈ રહ્યા છે. તેઓ એમની સિસ્ટમ આપણને આપે એમ છે. મેં સરથાણા સુરત જકાતનાકા પાસે હિંદવા સિક્યુરિટી કેપીટલ નામની મારી ઓફિસ ખોલી છે. જેમાં બીજા બે કરોડની જરૂર પડી છે. જેથી તમો રૂ. 50 લાખ આપો ...આથી શિક્ષકે પ્રત્યુતરમાં જણાવ્યું હતું કે હવે મારી પાસે પૈસા નથી. આથી કુલદીપે શિક્ષકના રૂ. 56 લાખ આઠહજાર બસ્સો પરત આપી દીધા હતા. અને એ પછી રહેલા નાણા પરત મેળવવા માટે અવારનવાર ઉઘરાણી કરવા છતા નાણા પરત આપ્યા ન હતા. તા. 15મી સપ્ટેમ્બરે કુલદીપના પિતા ભાવેશભાઈ ડાયાભાઈ શેલડિયાએ ફોન કરીને જયેશભાઈ વિસાવડિયાને કહ્યું હતું કે તમો તાત્કાલિક સુરત આવો આપણે હિસાબ કરી નાખીએ આથી બીજા દિવસે જયેશભાઈ અને એની પત્ની વર્ષાબેન સુરત ગયા હતા. ત્યારે કુલદીપ અને પરિવારજનો હાજર હતા. એ વખતે કુલદીપે ઘટસ્ફોટ કર્યો હતો કે મે જૈનમ બ્રોકિંગ લિમિટેડમાં તમારા રૂપિયા રોકેલા નથી. મેં મારી રીતે શેરબજારમાં રોકાણ કર્યું હતું જે હું શેરબજારમાં હારી  ગયો છું હાલ મારી પાસે રૂપિયા નથી અને હાલ રૂપિયા આપી શકું એમ નથી. એમ કહીને હાથ ઉંચા કરી દીધા હતા. 


Google NewsGoogle News