વડોદરામાં સાત વર્ષમાં સરકારની કરુણા એમ્બ્યુલન્સ દ્વારા 57,983 પશુઓની સારવાર થઈ
Vadodara : રાજ્ય સરકારના પશુપાલન વિભાગ દ્વારા વડોદરા શહેરને બે કરુણા એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. આ કરુણા એમ્બ્યુલન્સની સેવાને સાત વર્ષ પુરા થયા છે. સાત વર્ષ દરમિયાન કરુણા એમ્બ્યુલન્સ દ્વારા 57,983 અબોલ પશુઓની નિશુલ્ક સારવાર કરવામાં આવી છે. વડોદરા શહેરી વિસ્તાર માટે ઇએમઆરઆઇ ગ્રીન હેલ્થ સર્વિસીસની કરુણા એમ્બ્યુલન્સ હાલ કાર્યરત છે. હજુ બે દિવસ પહેલા વડોદરા શહેરના કલાલી વિસ્તારમાં એક કૂતરાને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં જોવા મળતા નંબર 1962 ઇમર્જન્સી સેવા પર કોલ કરતા એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી હતી. કુતરાના પેટના ભાગમાં અણીદાર વસ્તુથી ઊંડો ઘા પડેલો હતો, અને લોહી નીકળતું હતું. પગમાં પણ ઈજા હતી. કુતરા ઉપર ઓપરેશન કરી ટાંકા લઈ ડ્રેસિંગ કરવામાં આવ્યું હતું અને પીડા મુક્ત કરવામાં આવ્યું હતું.