સ્થાયી સમિતિમાં વિક્રમ સર્જક એક દિવસમાં 551 કરોડના કામો મંજુર
ચૂંટણી આચારસંહિતા પૂર્વે રાજકોટ મહાપાલિકાની : સૌથી વધુ વોટરવર્ક્સના 300 કરોડના, રસ્તાના 88 કરોડ, ડ્રેનેજના 68 કરોડના કામો, : રવિવારે વડાપ્રધાનના હસ્તે ખાતમુહુર્ત કરાવવા તજવીજ
રાજકોટ, : રાજકોટ મહાપાલિકાની સ્થાયી સમિતિએ આજે એક દિવસમાં, ખરેખર તો માત્ર પાંચ-દસ મિનિટમાં જ રેકોર્ડબ્રેક 551 કરોડના કામોને બહાલી આપી હતી. માર્ચમાં ચૂંટણી આચારસંહિતા અમલમાં આવે તે પૂર્વે અને વડાપ્રધાનના હસ્તે અબજોના લોકાર્પણો ખાતમુહુર્ત થઈ રહ્યા છે ત્યારે મનપાના શાસકોએ રેકોર્ડબ્રેક કામોને મંજુરી આપી દીધી હતી.
આ અંગે સ્થાયી સમિતિના અધ્યક્ષ જયમીન ઠાકરે જણાવ્યું કે સૌથી વધુ રૂ।. 299.76 કરોડના ખર્ચે વિવિધ વિસ્તારોમાં ડી.આઈ.પાઈપ સહિતના વોટરવર્ક્સના કામો મંજુર કરાયા છે. આ ઉપરાંત રૂ।. 87.92 કરોડના ખર્ચે રસ્તાકામ, રૂ।. 67.58 કરોડના ખર્ચે ડ્રેનેજ કામો, 24.25 કરોડના ખર્ચે ડી.આઈ.પાઈપ, 5.24 કરોડના ખર્ચે કોઠારીયામાં નવું સ્મશાન, 3.57 કરોડના ખર્ચે પમ્પીંગ સ્ટેશન, 20.66 કરોડના ખર્ચે સુએઝ ટ્રીટમેન્ટ, 12.79 કરોડના ખર્ચે ગટર પાઈપ સહિત કૂલ 113 દરખાસ્ત પરત્વે નિર્ણયો લેવાયા છે. મનપાના ઈતિહાસમાં એક સાથે આટલા કામ કદિ મંજુર થયા નથી.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન રાજકોટમાં આવી રહ્યા છે ત્યારે મનપા દ્વારા આશરે રૂ।.એક હજાર કરોડના ખર્ચે સ્માર્ટ સિટીના કામનું લોકાર્પણ વિચારાયું હતું પરંતુ, તે કામ હજુ પુરૂં થયું નથી. આ અન્વયે સ્થાયી સમિતિએ આજે એક સાથે 551 કરોડના કામોને મંજુરી આપી દીધી હોય હવે વડાપ્રધાનના હસ્તે રાજકોટના આ પૈકીના કામોના ખાતમુહુર્ત કરવા તૈયારીઓ થઈ રહી છે. સ્થાયી સમિતિએ પાઈપ ખરીદી સહિત અનેક કામોમાં એસ્ટીમેટ કરતા કરોડો રૂ।.ની ઓન પણ મંજુર કરી દીધી છે. ઉપરાંત શહેરમાં નવા બ્રિજ બનાવવા સરકારને દરખાસ્ત અને ગંદકી બદલ ચાર્જ વસુલવા અંગે નીતિવિષયક નિર્ણય પણ લીધો હતો.