વાઈબ્રન્ટ વડોદરા સમિટમાં 5359 કરોડના એમઓયુ, વડોદરાના લોકો માટે 50000 નોકરીઓ સર્જાશે તેવો દાવો

Updated: Oct 10th, 2023


Google NewsGoogle News
વાઈબ્રન્ટ વડોદરા સમિટમાં 5359 કરોડના એમઓયુ, વડોદરાના લોકો માટે 50000 નોકરીઓ સર્જાશે તેવો દાવો 1 - image


વડોદરા, તા. 10 ઓક્ટોબર 2023, મંગળવાર

ગુજરાત સરકાર દ્વારા તા.10 થી 12 જાન્યુઆરી દરમિયાન વાઈબ્રન્ટ ગુજરાત સમિટનુ આયોજન કરવામાં આવનાર છે. તેના પહેલા રાજ્યના વડોદરા સહિત ચાર મોટા શહેરોમાં પણ આ પ્રકારની સમિટનુ સ્થાનિક સ્તરે આયોજન કરવાની જાહેરાત કરાઈ છે.

આજે વડોદરામાં તંત્ર દ્વારા વાઈબ્રન્ટ વડોદરા સમિટનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં વડોદરામાં 5359 કરોડ રુપિયાનુ રોકાણ કરવા માટે એમઓયુ કરવામાં આવ્યા હતા.

હર્ષ સંઘવીએ કહ્યુ હતુ કે, વડોદરામાં ઉદ્યોગો દ્વારા આ રોકાણના કારણે 50000 લોકોને રોજગારી મળશે.

વાઈબ્રન્ટ ગુજરાત સમિટિના ભાગરુપે એમઓયુ ઉપરાંત બાયર્સ સેલર્સ મીટ, ઈન્ડસ્ટ્રિયલ એક્ઝિબિશન, ઉદ્યોગોને કયા પ્રકારના વર્કફોર્સની જરુર છે તે વિષય પર સેમિનાર એમ વિવિધ કાર્યક્રમોનુ પણ આજવા રોડ પરના પંડિત દિનદયાલ ઉપાધ્યાય નગરગૃહ ખાતે આયોજન કરવામાં આવ્યુ હતુ.

સમિટમાં જિલ્લા કલેકટર અતુલ ગોરે કહ્યુ હતુ કે, સાવલી અને વાઘોડિયામાં છેલ્લા 15 વર્ષમાં ઘણા નવા ઉદ્યોગો શરુ થયા છે અને આ બંને વિસ્તારોમાં વડોદરા કે બીજા નાના શહેરોમાંથી અપડાઉન કરનારાઓની સંખ્યા વધી છે, ટ્રાફિક પણ વધ્યો છે અને તેના કારણે ટ્રાફિક જામની ફરિયાદો પણ ઉઠી રહી છે. આ પ્રકારના સંજોગોને જોતા તંત્ર દ્વારા વડોદરાથી સાવલી સુધી એલિવેટેડ ટ્રેક પર મેમુ ટ્રેન દોડાવવાની પણ યોજના વિચારવામાં આવી રહી છે. સાથે સાથે તેમણે ઉદ્યોગોને પણ જે પણ જરુરિયાત હોય તે પૂરી કરવાની પણ ખાતરી આપી હતી.

વાઈબ્રન્ટ વડોદરા સમિટમાં હાજર રહેલા મ્યુનિસિપલ કમિશનર દિલિપ રાણાએ કહ્યુ હતુ કે, પશ્ચિમ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે એક રિંગ રોડ બનાવવાની વિચારણા થઈ રહી છે. સાથે સાથે પબ્લિક ટ્રાન્સપોર્ટ ભાર મુકવા માટે 100 ઈલેક્ટ્રિક બસો દોડાવવાનુ પણ નક્કી થઈ ચુકયુ છે.



Google NewsGoogle News