કૃષિમહાેત્સવનું મૂલ્યાંકનઃ વડોદરા જિલ્લામાં બે દિવસમાં 535 ખેડૂત સભા મળશે
symbolic |
વડોદરાઃ વડોદરા જિલ્લામાં બે દિવસનો કૃષિ મહોત્સવ સંપન્ન થયા બાદ હવે તેના મૂલ્યાંકનનો કાર્યક્રમ કર્મચારીઓને માથે નાંખવામાં આવ્યો છે.જેને પગલે બે દિવસમાં વડોદરા જિલ્લામાં દરેક ગ્રામ પંચાયતમાં ફરજીયાત ખેડૂત સભા બોલાવવામાં આવશે.
વડોદરા જિલ્લામાં ગઇ તા.૬ અને ૭ ડિસેમ્બરે દરેક તાલુકામાં કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં તાલુકા દીઠ ૧૫ જેટલા પ્રદર્શની સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત આણંદની કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાંતો પણ દરેક તાલુકામાં સંવાદ માટે આવ્યા હતા.
ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ,આધુનિક ટેકનોલોજી અને યોજનાકિય માહિતી આપવામાં આવી હતી અને બે દિવસ દરમિયાન ૧૦,૦૦૦ જેટલા ખેડૂતોનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
ઉપરોક્ત કાર્યક્રમ બાદ હવે તેનું મૂલ્યાંકન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.જેને કારણે આગામી તા.૧૦ અને ૧૧મી ડિસેમ્બરે વડોદરા જિલ્લાની ૫૩૫ ગ્રામ પંચાયતોમાં ખેડૂત સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂત સભા યોજવા માટે ગ્રામ સેવકો, તલાટીઓ તેમજ અન્ય કર્મચારીઓને નોડલ ઓફિસર બનાવી જવાબદારી સોંપવામાં આવી છે.
ડિજિટલ ફાર્મર કાર્ડના રજિસ્ટ્રેશનનો મુદ્દો માથાનો દુખાવારૃપ બન્યો
ખેડૂત સભામાં પણ ડિજિટલ ફાર્મરના રજિસ્ટ્રેશનની કામગીરી કરાશે
કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ લેવા માટે ડિજિટલ ફાર્મર કાર્ડની નોંધણી ફરજિયાત કરવાની કામગીરી કર્મચારીઓ માટે માથાનો દુખાવો બની છે.
વડોદરા જિલ્લામાં ૨ લાખ જેટલા ખેડૂતો હતા.જેમને ડિજિટલ ફાર્મર કાર્ડ આપવા માટે કામગીરી કરવામાં આવી હતી.પરંતુ ધારી સફળતા મળી નથી.આ કાર્ડ વગર ખેડૂતોને કોઇ પણ યોજનાનો લાભ નહિ આપવા પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
વડોદરા જિલ્લામાં ડિજિટલ ફાર્મર કાર્ડની નોંધણી માંડ ૨૦ ટકા જેટલી થઇ હતી.જેથી દરેક કર્મચારીઓને ડોરટુડોર ફરીને આ કામગીરી પાર પાડવા સૂચના આપવામાં આવી છે.ખેતીવાડી અધિકારી નિતીન વસાવાએ કહ્યું હતું કે,ખેડૂત સભામાં પણ આ કામગીરી કરવા માટે કર્મચારીઓને ખાસ તાકીદ કરવામાં આવી છે.