વિદેશમાં વસતા ભારતીયોએ સનાતન પરંપરા જીવંત રાખી: પરંપરાગત ભારતીય વસ્ત્રો સાથે કેનેડાના ટોરેન્ટો માં 52મી જગન્નાથ રથયાત્રા વિકેન્ડમાં નીકળી

Updated: Jul 14th, 2024


Google NewsGoogle News
વિદેશમાં વસતા ભારતીયોએ સનાતન પરંપરા જીવંત રાખી: પરંપરાગત ભારતીય વસ્ત્રો સાથે કેનેડાના ટોરેન્ટો માં 52મી જગન્નાથ રથયાત્રા   વિકેન્ડમાં નીકળી 1 - image


Rathyatra in Canada: સુરતમાં ગત રવિવારે અષાઢી બીજના દિવસે સાત જગ્યાએથી જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદેશમાં વસતા ભારતીયો એ સનાતન પરંપરા જીવંત રાખી છે. આ વીકએન્ડમાં પરંપરાગત ભારતીય વસ્ત્રો સાથે કેનેડાના ટોરેન્ટો માં 52 મી જગન્નાથ રથયાત્રા વિકેન્ડમાં નીકળી હતી જેમાં વિદેશીઓ સાથે 30 હજારથી વધુ શ્રદ્ધાળુઓ જોડાયા હતા. 

ગઈકાલે શનિવાર વીકએન્ડ્સમાં કેનેડાના ટોરેન્ટોમાં જગન્નાથ રથયાત્રા નીકળી હતી ત્યારે કેનેડાના રસ્તા ભારતીય રસ્તા હોય તેમ જય જગન્નાથના નારાથી ગુંજી ઉઠ્યા હતા. ટોરેન્ટોમાં રથયાત્રા નીકળી તેમાં ભાગ લેવા માટે કેનેડાના જુદા જુદા શહેરોમાં રહેતા ભારતીયો ઉમટી પડ્યા હતા. ઇસ્કોન દ્વારા કેનેડામાં 52મી રથયાત્રા નીકળી હતી તેમાં ભારતીયો સાથે વિદેશી ભક્તોની સંખ્યા પણ નોંધપાત્ર જોવા મળી હતી. આ રથયાત્રામાં 30 હજાર જેટલા ભક્તો આવ્યા હતા તેમાં સુરત અને દક્ષિણ ગુજરાત અને ગુજરાતમાં રહેતા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. કેનેડાના રસ્તા પર ગુજરાતીઓ દ્વારા જય જગન્નાથના નારા લગાવીને વાતાવરણને વધુ ધાર્મિક બનાવી દીધું હતું. 

છેલ્લા 10 વર્ષથી રથયાત્રામાં જોડાયેલા મૂળ બીલીમોરાના અને હાલ કેનેડામાં સ્થાયી થયેલા રાજીવ મહેતા કહે છે,કેનેડામાં દિવાળી પછી સૌથી મહત્વ ધરાવતો તહેવાર જગન્નાથ રથયાત્રા છે. આ વર્ષે સૌથી સારી વાત એ જોવા મળી હતી કે રથયાત્રામાં જોડાયેલા મોટાભાગના લોકો પરંપરાગત ભારતીય વિસ્તારમાં જોવા મળ્યા હતા. જેમાં વિદેશી મહિલાઓ પણ ભારતીય સાડીમાં જોવા મળી હતી. ભારતમાં જે રીતે રથનું દોરડું ખેંચવા માટે ભક્તો પડાપડી કરે છે તેવી જ પડાપડી અહીં પણ જોવા મળી હતી. અહી વસતા લોકો આ રથયાત્રામાં જોડાઈને એક નવી જ એનર્જી મેળવતા હોય તેવું અનુભવે છે. 

હિરલ મહેતા કહે છે, ભારતના પુરી તથા જુદા જુદા શહેરોમાં રથયાત્રા નીકળે તેમાં ભજન કિર્તન સાથે અન્ય ધાર્મિક કાર્યક્રમો હોય છે તેવી જ રીતે અહી પણ રથયાત્રા દરમિયાન ભજન કિર્તન થાય છે અને સાડા ચાર કિલોમીટર ની રથયાત્રા ભ્રમણ કર્યા બાદ ટોરેન્ટોના સેન્ટ્રલ આઇલેન્ડ પર એક દિવસ માટે ભગવાન બિરાજમાન થાય છે. અહીં દિવસ અને રાત્રી દરમિયાન કીર્તન સાથે ભક્તોને મહાપ્રસાદી પણ આપવામાં આવે છે. આ પરંપરા તેમની ભાવી પેઢીમાં પણ જળવાયેલી રહે તે માટે તેમના દિકરા શિવ અને દિકરી રિયાને લઈને દર વર્ષે જોડાય છે.

અભ્યાસ બાદ કેનેડામાં જોબ કરતા અંકિત પટેલ તેમના મિત્રો સાથે આ રથયાત્રામાં જોડાવવા માટે અન્ય કામો પડતા મુકી દે છે. અષાઢી બીજ પછી ના વીક એન્ડમાં અંકિત સાથે મિલન રવિ, સ્વપ્નીલ સહિતના મિત્રો કેનેડામાં રહે છે ત્યારથી આ રથયાત્રાનો ભાગ બને છે. તેઓ કહે છે, અહીં રથયાત્રા નીકળે છે ત્યારે તેઓને ભારતમાં જ છે અને ત્યાંનો તહેવાર ઉજવે છે તેવો અનુભવ થાય છે. પરિવારથી દૂર તેઓ કેરિયર માટે આવે છે ત્યારે કેટલીક વખત એકલું લાગે છે પરંતુ આવા તહેવારની ઉજવણી થતી હોય છે ત્યારે તેમને પોતાના પરિવાર સાથે છે અને એકલતા દુર થતી જોવા મળે છે.


Google NewsGoogle News