એટીએમ મશીનમાં પટ્ટી લગાવી રૂા. 52 હજાર ગઠિયાઓ ચોરી ગયા
આણંદના વિદ્યાનગરના નાના બજારમાં આવેલા
ગ્રાહકોના ખાતામાં રૂપિયા ડેબિટ થઈ ગયા સુરતના બે શખ્સ ઝડપાયા, ઉ.પ્રદેશનો ફરાર
વિદ્યાનગરના નાના બજાર વિસ્તારમાં આવેલી રઘુવીર ચેમ્બર નજીક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનું એટીએમ સેન્ટર આવેલું છે. છેલ્લા કેટલાક દિવસોથી આ એટીએમ મશીન માંથી ગ્રાહકોના ખાતામાંથી નાણા ડેબિટ થવા છતાં રોકડ મળતી નહોતી. આ અંગે એસબીઆઈની મુખ્ય બ્રાન્ચના ચીફ મેનેજરને જાણ કરાઈ હતી. ફરિયાદને ધ્યાને લઈ બેંકની ટીમે એટીએમ સેન્ટરના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા.
જેમાં તા. ૬ઠ્ઠી માર્ચ ૨૦૨૫ના રોજ એટીએમ મશીનમાં નાણાં નીકળવાની જગ્યાએ કોઈ અજાણ્યા શખ્સો દ્વારા પટ્ટી રાખી અવરોધ ઊભો કર્યો હોવાનું જણાઈ આવ્યું હતું. ગ્રાહક એટીએમ સેન્ટર ખાતેથી બહાર નીકળી ગયા બાદ અજાણ્યા શખ્સો સેન્ટરમાં જઈ પટ્ટી કાઢી નાણાં ચોરી કરી લઈ જતા હોવાનું ધ્યાને આવ્યું હતું. અજાણ્યા શખ્સોએ અલગ અલગ તારીખે રૂા. ૫૧,૬૦૦ની ચોરી કરી એટીએમ મશીનને પણ નુકસાન પહોંચાડયું હતું.
આ અંગે બેંકના ચીફ મેનેજર રાહુલ સત્ય પ્રકાશ શુક્લાએ વિદ્યાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરતા ઉત્તર પ્રદેશની ગેંગની સંડોવણી હોવાનું સામે આવ્યું છે.
પોલીસે આ ગુના સંદર્ભે મંગલા શીરોમણી યાદવ (રહે. ૪૦૫, સાઈધામ સોસાયટી, ગોડાદરા રેલવે ફાટક પાસે, સુરત) અને ક્રિષ્ના દેવીપ્રસાદ ઉપાધ્યાય (રહે. પ્લોટ નં.-૪૮, શિવ રેસિડેન્સી, ડિંડોલી- ખરવાસા રોડ, સુરત)ને ઝડપી પાડયા હતા. જ્યારે પ્રવિણકુમાર ઉર્ફે રાહુલ બરનદીનસીંગ (રહે. બી-૨૦૬, રોયલ રેસીડેન્સી, સંજીવની હોસ્પિ. સામે, સુરત મુળ રહે. જારી બજાર, અલહાબાદ, ઉત્તર પ્રદેશ)ને ફરાર જાહેર કરી તેને પકડવા ચક્રોગતિમાન કર્યા છે. ઝડપાયેલા શખ્સો પાસેથી કાર, રોકડ, મોબાઈલ, એટીએમ મશીનમાં લગાવવાની પટ્ટી સહિત રૂા. ૫.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.