જામનગરમાં કરુણા અભિયાન હેઠળ પતંગના દોરાના લીધે ઘાયલ થયેલા 51 પક્ષીઓની સારવાર કરાઈ : એકમાત્ર કબૂતરનું મૃત્યુ
Jamnagar Karuna Abhiyan : જામનગર શહેર અને જિલ્લામાં પતંગ મહોત્સવ દરમિયાન ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર માટે જામનગરના વન વિભાગ તેમજ જુદી જુદી એનજીઓ સંસ્થા દ્વારા કરુણા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, અને કબૂતર, ટીટોડી, પોપટ સહિતના કુલ 51 જેટલા ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી. એકમાત્ર કબૂતરનું મૃત્યુ થયું હતું. બાકીના તમામ પક્ષીઓ સારવાર હેઠળ છે, અને બે પક્ષીઓને હવામાં મુક્ત કરવામાં આવ્યા છે.
જામનગર શહેર અને જિલ્લામાં વન વિભાગ તથા જુદી જુદી આઠ જેટલી એનજીઓ સંસ્થાના સંયુક્ત પ્રયાસોથી જામનગર શહેર-જિલ્લામાં કરુણા અભિયાન યોજાયું હતું. વહેલી સવારથી મોડી સાંજ સુધી શહેર જિલ્લાના તમામ અલગ અલગ સ્થળો પર પશુ-પક્ષી ચિકિત્સકો તથા સેવાભાવી કાર્યકરોની ટીમ હાજર રહી હતી, અને ઘાયલ પક્ષીઓની સારવાર કરી હતી. જેમાં કુલ 45 કબૂતર ઘાયલ થયા હતા જેઓની તાત્કાલિક સ્થળ પર સારવાર કરવામાં આવી હતી. જે પૈકીના 31 કબૂતરને ઠેબા પક્ષીઓના સારવાર કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે, જ્યારે 11 કબૂતરને જામનગરની સાઇધામ સંસ્થા (નવાગામ ઘેડ)માં રાખવામાં આવ્યા છે. તેમજ ત્રણ કબૂતરોને ખીજડીયા પક્ષી અભ્યારણના સ્થળે આવેલી બર્ડ હોસ્પિટલમાં સારવાર માટે મૂકવામાં આવ્યા છે, અને તમામની સારવાર ચાલી રહી છે. આ ઉપરાંત બે કાંકણસાર, એક ટીટોડી, બે પોપટ, અને એક પીળી ચાંચ ઢોંક સહિત કુલ 51 પક્ષીઓ પતંગના દોરાથી ઘાયલ થયા હતા, અને તમામની સારવાર કરવામાં આવી હતી.
જો કે બે પક્ષીઓ ને હવામાં મુક્ત કરી દેવામાં આવ્યા છે, જ્યારે બાકીનાને સારવાર અપાયા બાદ તેઓની તબિયતમાં સુધારો થયા પછી હવામાં મુક્ત કરી દેવામાં આવશે.
જામનગરના વન વિભાગ અને પોલીસ ટુકડીની શહેર જિલ્લામાં દોડાદોડીની મહેનત રંગ લાવી
જામનગર શહેર અને જિલ્લામાં વન વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા ચાઈનીઝ દોરા, પ્લાસ્ટિકના દોરા અને પ્લાસ્ટિકના પતંગ તેમજ કાચ પાયેલા દોરાના ઉપયોગ માટે થયેલા સઘન ચેકિંગના લીધે ધર્યું પરિણામ આવ્યું હતું, અને આવી પ્રતિબંધિત સામગ્રીનો ઉપયોગ અને વેચાણ નહીં કરવા માટે છેલ્લા એક સપ્તાહથી અનેક સ્થળે મોટા પાયે ચેકિંગની કાર્યવાહી કરી હતી, જે મેહનત આખરે રંગ લાવી હતી.
સાથો સાથ શહેર જિલ્લાના પતંગપ્રેમીઓ કે જેઓએ પણ ચાઈનીઝ દોરા, નાયલોન પ્લાસ્ટિક અથવા તે પ્રકારના પતંગ-દોરા અને કાચ પાયેલા દોરા વગેરેનો ઉપયોગ નહિવત કર્યો હોવાથી જામનગર શહેર અને જિલ્લામાં પક્ષીઓના મૃત્યુ આંકમાં ધરખમ ઘટાડો થયો છે, અને માત્ર એક કબૂતરું મૃત્યુ પામ્યું છે. જેથી લોકોનો સંયમ પણ પક્ષીઓ માટે જીવન રક્ષક બન્યો છે. જોકે 51 જેટલા પક્ષીઓ ઘાયલ થયા છે. જે સંખ્યા પણ ઓછી રહી છે.