ભાજપ સરકારમાં હિંદુ સુરક્ષાની માત્ર વાતો: ગુજરાતમાં મંદિરો લૂંટાઈ રહ્યા છે, ત્રણ વર્ષમાં ચોરીના 501 બનાવો
Robbery in Temple : હિન્દુત્વની વાતો કરતી અને હિન્દુઓના સંરક્ષણના દાવા કરતી સત્તાધારી ભાજપની સરકારમાં છેલ્લા ત્રણ વર્ષમાં ધાર્મિક સ્થળો એટલે કે મંદિરોમાં લૂંટ અને ચોરીની 501 જેટલી ઘટનાઓ બની છે. સીસીટીવી કેમેરાથી સજ્જ એવા ધાર્મિક સ્થાનોએ પોલીસનો પહેરો હોવા છતાં ચોરીના કિસ્સા બનતાં ભક્તો અને મંદિર પ્રશાસનને આશ્વર્ય થઈ રહ્યું છે.
ગુજરાતમાં ચોરી, લૂંટ-ધાડના કિસ્સાઓમાં ધરખમ વધારો થયો છે. ભાજપ સરકારમાં મંદિરો અને ભગવાન પણ સલામત નહીં હોવાનો આક્ષેપ વિપક્ષ કોંગ્રેસે કર્યો છે. પ્રવક્તા હિરેન બેન્કરે જણાવ્યું છે કે કરોડો ગુજરાતીઓની આસ્થાનું સ્થાન શક્તિપીઠ પાવાગઢ પણ સલામત રહ્યું નથી. રાજ્યમાં રહેણાંક અને વ્યવસાયિક સ્થાનોને તસ્કરો પ્રતિદિન નિશાન બનાવે છે. ટાર્ગેટ પણ કરે છે પરંતુ હવે તો મંદિરોમાં આવતી દાનની આવક પર ચોર ટોળકીઓએ નજર બગાડવાનું શરુ કર્યું છે. મંદિર સંકુલને સલામતી આપવામાં સરકારનું પોલીસ તંત્ર ઉણું ઉતર્યું છે.
છેલ્લા ત્રણેક વર્ષમાં મંદિરોમાં થયેલી ચોરીમાં કુલ 4,93,72,247 રૂપિયાની રોકડ રકમ તેમજ મુદ્દામાલની ચોરી પોલીસના ચોપડે નોંધાયેલી છે. છેલ્લા ત્રણ વર્ષમાં અનુક્રમે 151, 178 અને 172 ઘટનાઓ બની છે. હથિયાર સાથે ધાડની પણ પાંચ ઘટનાઓ બનેલી છે જે અત્યંત ચિંતાજનક બાબત છે અને સરકારના સબ સલામતના દાવાની પોલ છતી કરે છે. આસ્થાના પ્રતિક એવા મંદિરોમાં થઈ રહેલી લૂંટ ધાડ-ચોરીની ઘટના માત્ર મંદિરોમાં સીસીટીવી લગાવી સુરક્ષાની સાંત્વના સરકાર આપી રહી છે.
ભગવાનના નામે રાજનીતિ કરતી પાર્ટી માત્ર મતનું તરભાણું ભરાયાની ચિંતા કરે છે. નવરાત્રિના પાવન પર્વમાં બહેન-દીકરીઓ પર બળાત્કાર થયા છે. વ્યાજખોરો અને બુટલેગરો બેફામ બન્યા છે. ડ્રગ્સનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. નકલીઓની ભરમાર સર્જાઈ છે. દાવા સામે વાસ્તિવક સ્થિતિ વધુ બિહામણી જોવા મળે છે. ગુજરાતમાં પોલીસ કર્મચારીઓની મોટા પાયે ઘટ છે.
આ સંખ્યા રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ ઓછી છે ત્યારે નાગરિકોની સુરક્ષા-સલામતી માટે ચુસ્ત વ્યવસ્થાપન માટે સત્વરે ભરતી કરવાની જરૂર છે. ગુજરાતના તમામ નાના-મોટા મંદિરોની સુરક્ષા વધારવામાં આવે અને મંદિરની સુરક્ષા માટે સ્પેશ્યલ ટાસ્ક ફોર્સની રચના કરવાની આવશ્યકતા છે.