જમ્મુ કાશ્મીરમાં વરસાદી તબાહી વચ્ચે 50 ગુજરાતી પ્રવાસીઓ ફસાયા, તમામ સુરક્ષિત હોવાનો દાવો
Ramban of Jammu and Kashmir News : જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લોમાં સતત મૂશળધાર વરસાદના કારણે ભયાનક સ્થિતિ ઊભી થઈ છે. જિલ્લાના અનેક હિસ્સામાં પુર આવ્યું હોવાથી બે બાળકો સહિત ત્રણ લોકોના મોત નીપજ્યા છે. સમગ્ર ઘટનાને પગલે ભારતીય સેના અને પ્રશાસનો દ્વારા 100થી વધુ લોકોને સુરક્ષિત જગ્યાએ સ્થાળાંતર કરી દેવામાં આવ્યા છે. જ્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવની કામગીરી શરૂ છે, ત્યારે આ દુર્ઘટનામાં 50 ગુજરાતી પ્રવાસીઓ ફસાયા હોવાનું સામે આવ્યું છે. બસમાં ગાંધીનગરના 30 અને પાલનપુરના 20 મુસાફરો હાલ શ્રીનગર પરત ફરી રહ્યા હોવાની માહિતી મળી રહી છે.
50 ગુજરાતી પ્રવાસીઓ ફસાયા
જમ્મુ અને કાશ્મીરના રામબનમાં આજે રવિવારે (20 એપ્રિલ, 2025) વાદળ ફાટવાની દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં રામબન જિલ્લાના ને.હાઈવે નંબર 14 પર પાલનપુરના 20 અને ગાંધીનગરના 30 લોકો ભૂસ્ખલનને કારણે ફસાયા હોવાનું સામે આવ્યું છે, ત્યારે આ મામલે બનાસકાંઠાના કલેક્ટરે રામબનના કલેક્ટર સાથે વાતચીત કરી હતી. જેને લઈને બનાસકાંઠાના કલેક્ટરે હાલ તમામ ગુજરાતીઓ સુરક્ષિત જણાવ્યું હતું. જ્યારે આ મામલે ગુજરાત પોલીસે જમ્મુ-કાશ્મીર પોલીસ કંટ્રોલ રૂમ અને રામબન એસ.એસ.પી. સાથે સંપર્ક કરી પ્રવાસીઓની માહિતી મેળવી છે.
જમ્મુ-શ્રીનગર હાઈવે પર ભૂસ્ખલન
ભારે વરસાદના કારણે રામબન જિલ્લામાં જમ્મુ-શ્રીનગર હાઈવે પર ભયાવહ ભૂસ્ખલન થયુ છે. જેના લીધે હાઈવે પર ટ્રાફિક જામ થયો છે. હજારો ખાનગી વાહનો રસ્તા પર છોડવા લોકો મજબૂર બન્યા છે. સ્થાનિક સત્તાધીશોએ લોકોને સુરક્ષિત સ્થળે જવા અપીલ કરી છે. તેમજ હાઈવે પર મુસાફરી ન કરવા કહ્યું છે.