નવા નિયમો જાહેર થયા બાદ વડોદરામાં 50 જેટલી સ્કૂલોએ પ્રવાસનું આયોજન કર્યું
વડોદરાઃ ઓકટોબર મહિનામાં સરકારના શિક્ષણ વિભાગે સ્કૂલો માટે શૈક્ષણિક પ્રવાસની નવી ગાઈડ લાઈન જાહેર કરી હતી.એ પછી વડોદરા શહેર અને જિલ્લામાંથી નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં મળીને ૫૦ જેટલી સ્કૂલોએ પ્રવાસ માટે ડીઈઓ કચેરીમાં અરજી કરી હોવાની વિગતો જાણવા મળી છે.
સરકારના નવા પરિપત્ર પ્રમાણે તો સ્કૂલોએ મુખ્યત્વે ૧૬ પ્રકારની બાબતોનું ધ્યાન રાખવાનું છે અને આ તમામ નિયમોનું પાલન કર્યા બાદ જ સ્કૂલો પ્રવાસનું આયોજન કરી શકશે.સરકારે જ્યારે નવા નિયમો જાહેર કર્યા ત્યારે એવુ મનાતું હતું કે, મોટાભાગની સ્કૂલો પ્રવાસનું આયોજન માડી વાળશે.
જોકે ડીઈઓ કચેરીના સૂત્રોનું કહેવું છે કે, અત્યાર સુધીમાં ૫૦ જેટલી સ્કૂલોએ શૈક્ષણિક પ્રવાસના આયોજન કર્યા છે.જેમાં કેટલીક સ્કૂલોએ પોતાના વિદ્યાર્થીઓને રમત ગમતની સ્પર્ધામાં ભાગ લેવાનો હોવાથી પ્રવાસની મંજૂરી માગી છે.બાકીની સ્કૂલોએ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કર્યુ છે.સ્કૂલોએ આ અંગેની અરજીની સાથે સાથે જરુરી દસ્તાવેજો ડીઈઓ કચેરીમાં જમા કરાવ્યા છે.
ડીઈઓ કચેરીના એક અધિકારીએ કહ્યું હતું કે, સ્કૂલોએ અમારી મંજૂરી લેવાની નથી પરંતુ અમને જાણ કરવાની હોય છે.તેઓ નિયમનું પાલન કર્યુ છે તેની જાણકારી આપતા દસ્તાવેજો અરજીની સાથે રજૂ કરે છે.આ જ પ્રકારના દસ્તાવેજો તેમણે પોલીસ મથકમાં પણ જમા કરાવવાના હોય છે.સ્કૂલોએ તમામ નિયમોનું પાલન કરીને પ્રવાસનું આયોજન કરવાનું હોય છે.સાથે સાથે પંદર દિવસ પહેલા અમને જાણ કરવાની હોય છે.એટલે કેટલીક સ્કૂલોના પ્રવાસ યોજાઈ ગયા છે તો કેટલીક સ્કૂલોના પ્રવાસ હવે પછી યોજાશે.
પ્રવાસે લઈ જવા માટે સ્કૂલોએ કયા નિયમોનું પાલન કરવું પડશે
જે સ્થળોનો પ્રવાસ નક્કી થયો છે તેની તમામ જાણકારી આપવાની રહેશે
પ્રવાસનું આયોજન રાજ્યની બહાર હોય તો પોલીસ કમિશનર અને વિદેશ પ્રવાસ હોય તો શિક્ષણ વિભાગની મંજૂરી
પ્રવાસ પહેલા વાલીઓની બેઠક બોલાવીને ઠરાવ કરવાનો રહેશે
પ્રવાસે જનારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોની તમામ જાણકારી તથા સંમતિપત્રો પણ ડીઈઓ કચેરીમાં જમા કરાવવાના રહેશે
પોલીસ સ્ટેશનને અને આરટીઓને જાણ કર્યાનો પૂરાવો પણ સ્કૂલ પાસે હોવો જોઈઅ
પ્રવાસ માટેના વાહનોનો પ્રકાર, વાહનની આરસી બૂક, પીયુસી, ફિટનેસ સર્ટિફિકેટ, વીમો સહિતની જાણકારી
વાહન ચલાવનારનું લાઈસન્સ, આધાર કાર્ડ જેવા દસ્તાવેજો, વાહનમાં ફાયર સેફટીનુ ઉપલબ્ધતાનુ સર્ટિફિકેટ ે
વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે તે સ્કૂલો પ્રવાસનું આયોજન ટાળી રહી છે
એક આચાર્યે નામ નહીં આપવાની શરતે કહ્યું હતું કે, જે સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે તે સ્કૂલો પ્રવાસ યોજવાનું ટાળી રહી છે.ખાસ કરીને હરણી લેક ઝોનમાં બનેલી બોટ હોનારતમાં ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકોએ જીવ ગુમાવ્યા બાદ સ્કૂલો સતર્કતા રાખી રહી છે.વધારે વિદ્યાર્થીઓ જ્યાં ભણતા હોય તે સ્કૂલો જો પ્રવાસનું આયોજન કરે તો તેમના માથા પર વધારે જવાબદારી આવે તેમ હોય છે અને એટલે જ આવી સ્કૂલો પ્રવાસનું આયોજન કરે તેવી શક્યતાઓ ઓછી છે.