નડિયાદમાં આરટીઓથી મીલ રોડ પર 50 દબાણો હટાવાયા
- મનપા બન્યા બાદ દબાણોનો કાયમી ઉકેલ જરૂરી
- મીલ રોડ ઉપર કાર્યવાહી આરંભાતા કોલેજ રોડ ઉપર દબાણોનો ફરી ખડકલો
નડિયાદ : નડિયાદમાં દબાણ હટાવો ઝુંબેશ ચાલી રહી છે. જો કે, આ ઝુંબેશનો ભોગ માત્રને માત્ર લારી અને ગલ્લાં સહિત પાથરણાંવાળા બની રહ્યા છે. અગાઉ દાંડી માર્ગ પર સ્ટેશનથી શરૂ કરી કોલેજ રોડ પર દબાણો હટાવાયા હતા.
નડિયાદમાં આજે દબાણ વિભાગની ટીમ દ્વારા આરટીઓથી શરૂ કરી મીલ રોડ પરના તમામ લારી- ગલ્લાં અને પાથરણાંવાળાઓને ખસેડવામાં આવ્યા હતા. દબાણ વિભાગની ટીમ દ્વારા અગાઉ સ્ટેશનથી શરૂ કરી કોલેજ રોડ સુધી દબાણો હટાવ્યા હતા.
આ દબાણ હટાવ્યા બાદ હવે મીલ રોડ પર અંદાજે ૫૦ જેટલા નાના વ્યવસાયકારોને હટાવી કાયમી ધોરણે દબાણોનો સફાયો કરાયો હતો. આગામી સમયમાં પુનઃ આ વ્યવસાયકારો પરત અહીંયા ધંધો કરી શકશે કે કેમ? તે અંગે ચર્ચાઓ ઉઠી છે. જો કે, એકતરફ મીલ રોડ પર કાર્યવાહી આરંભાઈ છે, ત્યારે કોલેજ રોડ પર તો ફરી લારી, ગલ્લા અને પાથરણાંવાળા આવી ગયા હોવાનું પણ જોવા મળી રહ્યુ છે.