Get The App

આંગણવાડીના બાળકોના ભોજન માટે રખાયેલા ૫૦ કિલો ચણા ચોરાઇ ગયા!

Updated: Jan 20th, 2025

GS TEAM


Google News
Google News
આંગણવાડીના બાળકોના ભોજન માટે રખાયેલા ૫૦ કિલો ચણા ચોરાઇ ગયા! 1 - image


ગાંધીનગર નજીક ડભોડા ગામમાં તસ્કરોએ હદ વટાવી

આતાજીના છાપરા ખાતે આંગણવાડીના તાળા તોડી ગેસ સિલિન્ડરની પણ ચોરી કરી લીધી ઃ પોલીસની તપાસ

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા ડભોડામાં માતાજીના છાપરા ખાતે આવેલી આંગણવાડીના તાળા તોડીને તસ્કરો દ્વારા બાળકોના ભોજન માટે રખાયેલા ૫૦ કિલો ચણા અને ગેસ સિલિન્ડરની ચોરી કરી લેવામાં આવી છે. જે સંદર્ભે પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને આ તસ્કરોને પકડવા દોડધામ શરૃ કરવામાં આવી હતી.

પાટનગર ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારમાં ગઠિયા ટોળકીની સાથે હવે તસ્કરો પણ સક્રિય થઈ ગયા છે.  આ વખતે તો તસ્કરોએ જાણે કે હદ વટાવી હોય તેમ આંગણવાડીમાં નાના ભૂલકાઓના ભોજન માટે રાખવામાં આવેલા ચણા જ ચોરી લીધા છે. જે ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ડભોડા આનંદનગર ખાતે રહેતા અને આંગણવાડીમાં નોકરી કરતા સંગીતાબેન વિષ્ણુસિંહ સોલંકીએ ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ ડભોડાના આતાજીના છાપરા ખાતે આવેલી આંગણવાડીમાં નોકરી કરે છે અને ગત શનિવારના રોજ તેઓ આંગણવાડીને તાળું મારી ઘરે ગયા હતા.

જોકે આજે સવારના સમયે તેઓ આંગણવાડીમાં પહોંચ્યા ત્યારે તેના તાળા તૂટેલા હતા અને આંગણવાડીમાં રસોડામાં રાખવામાં ૫૦ કિલો ચણા અને એક ગેસ સિલિન્ડરની ચોરી થવા પામી હતી. જેથી આસપાસના વિસ્તારમાં તપાસ કરવા છતાં આ ચીજ વસ્તુઓ મળી આવી ન હતી અને ડભોડા પોલીસમાં ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને આ તસ્કરોની શોધખોળ શરૃ કરવામાં આવી છે. નોંધવું રહેશે કે, આ વિસ્તારમાં અગાઉ પણ આ પ્રકારે તસ્કરો દ્વારા આંગણવાડીઓને નિશાન બનાવવામાં આવી હતી અને તેના આરોપીઓ પણ હજી સુધી પકડાયા નથી.

Tags :