ખેડા: કારમાં લઈ જવાતો 50 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો, ગોધરા-હિંમતનગરના બે શખસોની અટકાયત
Kheda News : ગુજરાતમાં ડ્રગ્સ અને ગાંજાની હેરાભેરીના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે ખેડા જિલ્લાના સેવાલિયા મહારાજના મુવાડા નવી ચેકપોસ્ટ ખાતે સેવાલિયા પોલીસનું ચેકિંગ ચાલી રહ્યું હતું. આ દરમિયાન એક કાર શંકાસ્પદ જણાતા તેને ઊભી રાખીને ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી આશરે પાંચ લાખ રૂપિયાની કિંમતનો 50 કિલો ગાંજો ઝડપાયો હતો. આ સાથે પોલીસે કારમાં સવાર બે આરોપીને ધરપકડ કરીને કુલ 7.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે અન્ય એક ફરાર આરોપી સહિત કુલ ત્રણ આરોપી વિરુદ્ધમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી.
50 કિલો ગાંજા સાથે બે શખસોની ધરપકડ
મળતી માહિતી પ્રમાણે, ખેડા પોલીસે બાતમીના આધારે સેવાલિયા મહારાજના મુવાડા નવી ચેકપોસ્ટ પરથી 25 જેટલી થેલીમાંથી 50 કિલો ગાંજા સાથે ગોધરાના રફાકતહુસેન મોહંમદ હુસેન શેક અને હિંમતનગરના જીસાન રઈશઉદ્દીન શેખની ધરપકડ કરી હતી. પોલીસે બંને આરોપીની પૂછપરછ કરતાં તેમણે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના નંદુરબારથી ગાંજો લાવવામાં આવ્યો હતો, જેને હિંમતનગર લઈ જવાનો હતો. કારમાં કુલ ત્રણ શખસ સવાર હતા, જેમાંથી અશફાફ હુસેન જાકીર હુસેન શેખ નામનો એક શખસ ગોધરા નજીક કોઈ અન્ય વાહનમાં બેસી ગયો હતો. જેથી તે પોલીસ પકડવામાં આવ્યો ન હતો.
આ પણ વાંચો: 'જાંબુઆ ગેંગ'ની 6 જણાંની ટોળકી ઝડપાઈ, કાર પર ભારત સરકાર લખી ચોરીને અંજામ આપતા
સમગ્ર મામલે પોલીસે 50 કિલો ગાંજા સાથે બે આરોપીને ઝડપી પાડીને કાર અને મોબાઈલ મળીને કુલ 7.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે અન્ય એક ફરાર આરોપીને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.