સુરતમાં પાણી પીધા બાદ 100થી વધુ રત્ન કલાકારોને ઝેરી દવાની અસર, તમામને હોસ્પિટલ ખસેડાયા
Surat News : ગુજરાતના સુરતના કપોદ્રામાં આજે બુધવારે (9 એપ્રિલ, 2025) પાણી પીધા બાદ 118 રત્નકલાકારોની તબિયત લથડી હતી. કાપોદ્રા વિસ્તારના અનભ જેમ્સ નામના કારખાનામાં 118 રત્નકલાકારોને પાણી પીધા પછી ઝેરી દવાની અસર થઈ હતી. મળતી માહિતી મુજબ, કોઈએ અનાજમાં નાખવાની સેલ્ફોસ નામની દવા પીવાના પાણીના ફિલ્ટર પ્લાન્ટમાં ભેળવી દીધી હોવાની સામે આવ્યું છે. તમામ રત્નકલાકારોને તાત્કાલિક સારવાર આર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનામાં બે દર્દીઓ આઈસીયુમાં સારવાર હેઠળ છે. ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પાણી પીધા બાદ રત્નકલાકારોની તબિયત લથડી
મળતી માહિતી મુજબ, કાપોદ્રા વિસ્તારમાં ડાયમંડની કંપનીમાં 118 જેટલા રત્નકલાકારોને પાણી પીધા પછી ઝેર દવાની અસર થઈ હતી. જેમાં કિરણ હોસ્પિટલમાં 104 દર્દી દાખલ કરાયા હતા. જેમાં જનરલ વોર્ડમાં 102 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે 30 વર્ષીય રવિ પ્રજાપતિ અને 23 વર્ષીય જયદીપ બારિયાને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે.
કાપોદ્રા પોલીસ સ્ટેશનથી મળતી વિગતો મુજબ, પાણીની ટાંકીમાં કોઈ અસામાજિક તત્ત્વોએ સેલ્ફોસ દવાની પડીકી નાખી હોવાનું સામે આવ્યું છે. ફિલ્ટર પાસેથી પડીકીઓ મળી આવી છે. જેથી પાણી પીધા બાદ રત્નકલાકારોને અસર થઈ હતી. સમગ્ર મામલે સીસીટીવી ચકાસ્યા બાદ ફોરેન્સિક ટીમની મદદથી વધુ તપાસ કરાશે અને જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.