કારભાડું વસૂલવા મિત્રએ કરેલી હત્યાના બનાવમાં મરનાર શરીરે 50 થી વધુ ઇજાના નિશાન,જયદીપને ઘેર તાળાં
વડોદરાઃ કારભાડાના રૃપિયા વસૂલવા માટે મિત્રને મોતને ઘાટ ઉતારનાર વિશ્વજીત અને તેના બે સાગરીતોની ઓળખ પરેડ કરાવવામાં આવી હતી.હત્યાના બનાવમાં મરનારને ૫૦ થી વધુ ઇજા થઇ હોવાથી તેનું મોત નીપજ્યું હોવાનો પ્રાથમિક રિપોર્ટ પોલીસને મળ્યોછે.
સારસાના પાર્થ સુથાર નામના યુવકે ભાડે લીધેલી કારના રૃ.૫૪ હજાર વસૂલવા માટે છાણી જકાત નાકા પાસે ઇન્ફિનિટી એન્ટરપ્રાઇઝ નામની ઓફિસ ધરાવતા વિશ્વજીત વાઘેલા,તેના બે ડ્રાઇવર,ગોરવાના જયદીપ સોલંકી તેમજ અન્ય એક સાગરીત મળી કુલ પાંચ જણાએ ઢોર માર મારતાં પાર્થનું મોત નીપજ્યું હતું.
આ બનાવમાં મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવતાં તેના શરીરે ૫૦ થી વધુ નાની-મોટી ઇજાઓ થઇ હોવાથી આંતરિક ઇજાને કારણે તેનું મોત નીપજ્યું હોવાનું જણાઇ આવ્યું છે. એસીપી ધર્મેન્દ્રસિંહ ચાવડાએ કહ્યું હતું કે,આરોપીની ઓળખ પરેડ પણ કરાવવામાં આવી છે.
તો બીજીતરફ ફરાર થઇ ગયેલા જયદીપ સોલંકીના ગોરવાના મકાને તાળાં છે.તેના સાગરીતનો પણ પત્તો નથી.પોલીસની બે ટીમો દ્વારા બંને આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે.