વીજ કંપનીની બેદરકારીથી અંકલેશ્વર GIDCના ઉદ્યોગોને 50 કરોડનું નુકસાન
જીઆઇડીસીમાં પાણી પુરુ પાડતી મુખ્ય લાઈનમાં ચાર સ્થળોએ ભંગાણ સર્જાતા એક હજારથી વધુ ઉદ્યોગોમાં ઉત્પાદન પ્રક્રિયા ખોરંભે પડી
અંકલેશ્વર : અંકલેશ્વર જીઆઈડીસીમાં ઉધોગોને પાણી પુરૃ પાડતી મુખ્ય લાઇનમાં વીજ કંપનાના કોન્ટ્રાક્ટરોની બેદરકારીથી ચાર સ્થળોએ ભંગાણ થતાં જીઆઇડીસીમાં ૩૬ કલાથી પાણીનો સપ્લાય બંધ છે. જેના કારણે પાણીની સતત જરૃર હોય એવા મોટાભાગના ઉદ્યોગો બંધ રહેતા આર્થિક ફટકો પણ પડયો છે.
જીઆઈડીસીમાં એક હજારથી વધુ નાના મોટા ઉદ્યોગ એકમો આવ્યા છે તેને નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા પાણી પુરવઠા વિભાગના સહયોગથી પાણીનો પુરવઠો પુરો પાડવામાં આવે છે. જીઆઇડીસીમાં હાલમાં વીજ કંપની દ્વારા અન્ડર ગ્રાઉન્ડ કેબલ નાખવાનું કામ ચાલી રહ્યું છે આ કામગીરી કરતા કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે મુખ્ય પાઇપ લાઈનમાં જ ચાર સ્થળોએ ભંગાણ પડતા દોડધામ મચી ગઇ છે. ૩૬ કલાકથી પાણીના અભાવે ઉદ્યોગોમાં ઉત્પાદન પ્રક્રિયા પણ ખોરંભે પડી હતી. અંકલેશ્વર વસાહતના ફિલ્ટર પ્લાન્ટની સામે તળાવથી આવતી ૯૦૦ મિ.મિ.ની મુખ્ય લાઈનમાં જ ભંગાણ પડયુ હતુ.જેને પગલે વપાણીનો પુરવઠો બંધ થઇ ગયો હતો. આ સમસ્યાનાકારણે અનેક ઉદ્યોગોએ ખાનગી પાણીના ટેન્કરો મંગાવવાની ફરજ પડી હતી અને અનેક ઉદ્યોગોએ ઉત્પાદન પ્રક્રિયા બંધ કરવાની પણ ફરજ પડી હતી. ઉદ્યોગોમાં ઉત્પાદન પ્રક્રિયા બંધ રહેતા આશરે રૃ. ૫૦ કરોડથી વધુનુ નુકસાન થયુ હોવાનો અંદાજ ઉદ્યોગો સંચાલકો લગાવી રહ્યા છે.
બીજી તરફ પાણી પુરવઠા વિભાગ દ્વારા પાઇપ લાઈનનુ સમારકામ શરૃ કરી દેવામાં આવ્યુ છે અને મોટેભાગે મોડી રાત્રે તે પુર્ણ થઇ જશે તેવી જાણકારી મળી રહી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ઉકાઈ જમણા કાંઠાની કેનાલ સમારકામ માટે ૩૦થી વધુ દિવસ બંધ રહ્યા બાદ હવે જીઆઇડીસીમાં પાણીનું વહન કરતી મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાયુ છે.કેટલાક ઉધોગો પાસે બેકઅપ સિસ્ટમ હોવાના કારણે તેઓનું ઉત્પાદન ચાલુ રહ્યું હતું. પણ બેકઅપ નહતુ એવા ઉદ્યોગોને મુશ્કેલી નડી હતી.
પાણીની મુખ્ય લાઇનમાં જ નહી ડ્રેનેજ લાઇનોમાં પણ ઘણું નુકસાન થયુ છે
અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત શેલડીયોનું કહેવું છે કે હાલમાં જીઆઇડીસીમાં વીજ કંપની દ્વારા અંડર ગ્રાઉન્ડ કેબલિંગની કામગીરી ચાલુ છે. આ મટો અન્ડર ગ્રાઉન્ડ પુચિંગ કરી કેબલિંગ કરવામાં આવી રહ્યુ છે તેના કારણે પાણીની લાઈન ઉપરાંત ડ્રેનેજ સહિતની પાઈપલાઈનને નુકશાન થઇ રહ્યુ છે. આજે જે પાણી પુરવઠાની મુખ્ય પાઇપ લાઈનમાં ચાર ઠેકાણે ભંગાણ પડયુ હતુ તેના કારણે સમગ્ર વસાહતના નાના મોટા ઉદ્યોગો ઉપરાંત નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં અપાતો પાણીનો પુરવઠો બંધ કરવાની ફરજ પડી છે. સ્વાભાવિક પણે પાણી પુરવઠો બંધ થતા અનેક ઉદ્યોગોની ઉત્પાદન પ્રક્રિયા ઉપર બ્રેક લાગી હતી.જે ઉદ્યોગો પાસે બેકપ સિસ્ટમ છે તેવા મોટા ઉદ્યોગોને બાદ કરતા અન્ય અસંખ્ય ઉદ્યોગોએ છેલ્લા ૩૬ કલાકથી ઉત્પાદન પ્રક્રિયા થપ્પ કરવી પડી હતી જેના કારણે સમગ્ર અંકલેશ્વર વસાહતના ઉદ્યોગોને અંદાજે ૫૦કરોડ ઉપરાંતનુ નુકશાન સહન કરવાનો વારો આવ્યો હતો.