વડોદરામાં પતંગ દોરીથી ઘાયલ થતા પક્ષીઓની સારવાર માટે 50 કલેક્શન સેન્ટર રાખ્યા
Vadodara : વડોદરામાં ઉતરાયણ નિમિત્તે પતંગ અને દોરથી ઘાયલ થતાં પંખીઓની સારવાર માટે કરુણા અભિયાનનો તારીખ 10 થી પ્રારંભ થઈ ચૂક્યો છે. વડોદરામાં વન વિભાગ, પશુપાલન વિભાગ અને વિવિધ એનજીઓના કાર્યકરો દ્વારા આ અભિયાન અંતર્ગત કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. વન વિભાગ ખાતે ગઈકાલ સાંજ સુધીમાં 18 પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી. આજે સવારે પણ ઘણા પક્ષીઓ ઘાયલ થઈને આવ્યા હતા. જેમાં એક ઘાયલ પેરેગ્રિન ફાલ્કન એટલે કે શિકારી પક્ષી બાજ પણ આવ્યું હતું.
વડોદરામાં 50 કલેક્શન સેન્ટર રાખવામાં આવ્યા છે. જ્યાં ઘાયલ થયેલા પક્ષીઓને લાવવામાં આવે છે. આ ઉપરાંત ત્રણ સ્થળે પોલી ક્લિનિક, પંડ્યા બ્રિજ અને કારેલીબાગ ખાતે ઓપરેશન થિયેટર રાખ્યા છે. વડોદરામાં હોલા, સમડી, ઘુવડ, કબૂતર ઉપરાંત વઢવાણા નજીકમાં હોવાથી ત્યાંથી પણ ઘણા પક્ષીઓ અહીં આવતા હોવાથી તે પણ પતંગ દોરીથી ઘાયલ થાય છે, અને સારવાર આપવામાં આવે છે. વિવિધ સ્વેચ્છિક સંગઠનોના 900 કાર્યકરો આ કામગીરી સાથે જોડાયા છે અને જનજાગૃતિ ફેલાવી રહ્યા છે. વન વિભાગનું કહેવું છે કે સવારે છ થી નવ પક્ષીઓ બહાર ઊડીને વિહાર કરવા નીકળે છે અને સાંજે પાંચથી આઠ દરમિયાન પરત માળામાં ફરતા હોય છે, ત્યારે પતંગ ન ઉડાડવામાં આવે તો પક્ષીઓને ઘાયલ થતા બચાવી શકાય છે. ખાસ તો ચાઈનીઝ દોરી અને કાચ પાઉડરથી માંજો બનાવી રંગેલી ધારદાર દોરી પક્ષીઓને વધુ ઘાયલ કરે છે. આવી દોરી વધુ ઘાતક હોવાથી જીવલેણ સાબિત થાય છે જેના કારણે ગુજરાત હાઇકોર્ટે પણ કડક વલણ અપનાવી તેના પર પ્રતિબંધ મૂકી દીધો છે. પક્ષી એક વખત દોરીમાં ફસાય તે પછી નીકળવા માટે વધુ પાંખો ફફડાવતું રહે છે અને પ્રયાસ ચાલુ રાખે છે તેના કારણે દોરીમાં વધુ ફસાતા તે વધુ ઘાયલ થાય છે. વન વિભાગ ખાતે આણંદના ટ્રેની ડોક્ટરો પશુપાલન વિભાગના ડોક્ટરોની ટીમ કાર્યરત છે.