Get The App

સુરતમાં બે અલગ-અલગ બાઇક અકસ્માતમાં 5 જવાનજોધ યુવકોના મોત, ગમગીન બન્યો માહોલ

Updated: Feb 15th, 2025


Google NewsGoogle News
સુરતમાં બે અલગ-અલગ બાઇક અકસ્માતમાં 5 જવાનજોધ યુવકોના મોત, ગમગીન બન્યો માહોલ 1 - image


Surat Road Accident: રાજ્યમાં વધતી જતી અકસ્માતની ઘટનાઓ વચ્ચે સુરત નજીક બે અલગ-અલગ અકસ્માતની ઘટનાઓ સર્જાઇ છે, જેમાં પાંચ યુવાનોએ જીવ ગુમાવ્યો છે. વાડી-ઉમરઝર ગામ રોડ પર ઇકો કાર અને બાઇક વચ્ચે સર્જાયેલા ત્રણ યુવાનોના મોત નીપજ્યા હતા, જ્યારે બીજા અકસ્માતમાં ઉમરાથી અઠવાગેટ જતી વખતે પારલે પોઇન્ટ બ્રીજ પર બે યુવકો બાઇક લઇને ડિવાઇડર સાથે અથડાતા બેના મોત નીપજ્યા છે. આમ બે અલગ-અલગ અકસ્માતમાં 5 યુવાનોને કાળ ભરખી ગયો છે. અકસ્માતના સમાચાર પગલે સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઇ ગઇ છે. 

ઇકો-કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં ત્રણના મોત

સુરતના વાડી-ઉમરઝર ગામ રોડ પર ઇકો કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અક્સ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે.  આ ત્રણેય યુવક સાગબારા તાલુકાના ધવલીવેર ગામના વતની હતા. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક ફરાર થઇ ગયો હતો. અકસ્માત સર્જાતા આસપાસમાંથી સ્થાનિક રહીશો અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકોની ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી અને અજાણ્યા કારચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

ડિવાઇડર સાથે બાઇક અથડાતાં બે યુવકોને મળ્યું મોત

સુરત નજીક પારલે પોઇન્ટ બ્રિજ પર બાઇક લઇને જઇ રહેલા યુવકોની બાઇક ડિવાઇડર સાથે અથડાતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારબાદ તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ બંને યુવકોના મોત નીપજ્યા હતા. 

મળતી માહિતી મુજબ ત્રણ મિત્રો ઉમરાથી અઠવાગેટ જઇ રહ્યા હતા તે દરમિયાન પારલે પોઇન્ટ બ્રિજ પર તેમની બાઇક ડિવાઇડર સાથે ટકરાઇ હતી. બાઇક પર સવાર ત્રણેય યુવકોને ગંભીર ઇજાઓ પહોંચતાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ બે યુવકોના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય એકની હાલત ગંભીર છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 



Google NewsGoogle News