ડમી સીમ કાર્ડથી વિવિધ પ્રકારે ઓનલાઇન છેતરપીંડી આચરતા 5 શખ્સો ઝડપાયા
દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ સેલ દ્વારા કાર્યવાહી વડોદરાથી એક, મધ્યપ્રદેશથી બે તથા રાજસ્થાનથી બે શખ્સને દબોચી લેવાયાઃ 9 ગુનાનો ભેદ ઉકેલાયો વડોદરાના શખ્સ 600થી વધુ સીમ કાર્ડ બોગસ નામે એક્ટીવ કર્યા હોટેલની ફેક બુકિંગ વેબસાઈટ થકી તેમજ ન્યુડ કોલિંગ કરી પૈસા પડાવાતા હતા
જામખંભાળીયા, : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી હોટેલ બુકિંગના નામે થતી ઠગાઈ તેમજ અન્ય પ્રકારે ઓનલાઇન છેતરપિંડી અને આ પ્રકારના વિવિધ ગુનાઓનો ભેદ ઉકેલવા દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઈમ સેલ પોલીસને નોંધપાત્ર સફળતા મળી છે. જેમાં પોલીસે વડોદરા, રાજસ્થાન અને મધ્યપ્રદેશના કુલ પાંચ શખ્સોને દબોચી લીધા છે. જેની અટકાયત બાદ પોલીસને અલગ અલગ પોલીસ મથકમાં નોંધાયેલા કુલ નવ ગુનાઓનો ભેદ ઉકેલવા સફળતા મળી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઈમ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી સિલસિલાબંધ વિગત મુજબ પવિત્ર યાત્રાધામ દ્વારકામાં આવતા દર્શનાર્થીઓના વિવિધ પ્રકારે હોટેલ, ગેસ્ટ હાઉસમાં ઓનલાઈન બુકિંગ કરવા માટે આંતરરાજ્ય ટોળકી સક્રિય થયાનું બહાર આવતા આ અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય અંતર્ગત જિલ્લા સાયબર ક્રાઇમ વિભાગના પી.આઈ. એ.વાય. બ્લોચ તથા ચુનંદા સ્ટાફ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કરી અને આવા પ્રકરણમાં ડમી પ્રિ-એક્ટિવ સીમકાર્ડનું વેચાણ કરનારા તથા ફેક વેબસાઈટ અને સીમકાર્ડનો ઉપયોગ કરી અને છેતરપિંડી કરવા તેમજ ન્યુડ કોલ ફ્રોડના પાંચ આરોપીઓને દબોચી લેવા માટે સફળતા મેળવી હતી.
આ પ્રકરણમાં પોલીસે વડોદરાના ભાયલી વિસ્તારમાં રહેતા મોનાર્ક મહેશભાઈ પટેલ (ઉ.વ. 24), રાજસ્થાન રાજ્યના ડીગ જિલ્લાના કામા તાલુકામાં રહેતા ધનસિંઘ ગોપાલ ગુર્જર (ઉ.વ. 26), પહાડી તાલુકાના રસીદ જશમાલ મેવ (ઉ.વ. ૨૪), મધ્યપ્રદેશ રાજ્યના રેવા જિલ્લાના હુઝુર તાલુકાના રહીશ અને વેબ ડેવલપર તરીકે કામ કરતા નીરજ સુશીલ ત્રિવેદી (ઉ.વ. ૩૫), અને મધ્યપ્રદેશ રાજ્યના ખજુરીતાલના મૂળ વતની અને હાલ નહેરૂનગર (જી. રેવા, એમ.પી.) ખાતે રહેતા કૌશલેન્દ્રપ્રસાદ મોહનપ્રસાદ વર્મા (ઉ.વ. ૩૨) નામના પાંચ શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા.
ઝડપાયેલા આ શખ્સો પાસેથી પોલીસ દ્વારા મેળવવામાં આવેલી વિગત મુજબ માત્ર 9 ચોપડી ભણેલો વડોદરાનો મોનાર્ક મહેશભાઈ પટેલ અગાઉ એકાદ વર્ષ સુધી એરટેલ તથા જીઓ સિમ કાર્ડના વિક્રેતા તરીકે કામ કરતો હતો. તેના દ્વારા થોડા સમય પૂર્વે રાજસ્થાની ધનસિંગ તેમજ સંજી નામના શખ્સો સંપર્કમાં આવ્યા હતા અને રૂા. ૩૫૦ માં ડમી સીમકાર્ડ આપવાનું જણાવ્યું હતું. આથી મોનાર્ક તેની પાસે આવતા ગ્રાહકોના આધાર નંબર અને ફિંગર પ્રિન્ટ મેળવી અને યુક્તિ-પ્રયુક્તિથી ડમી સીમકાર્ડ એક્ટિવ કરી, ૩૦-૪૦ સીમ કાર્ડ રાજસ્થાનના ઉપરોક્ત બંને શખ્સોને કુરિયર દ્વારા મોકલી આપતો. આ રીતે ડમી સીમકાર્ડનું રેકેટ ચલાવીને તેણે ૬૦૦ થી વધુ સીમકાર્ડ રાજસ્થાનના ડિગ જિલ્લામાં મોકલાવી આપ્યા હોવાનું તથા આનાથી અલગ અલગ સાયબર ક્રાઇમના ગુનાઓ કરવામાં આવ્યા હોવાનું ખુલવા પામ્યું હતું.
અન્ય આરોપી ધનસિંઘ ગોપાલ ગુર્જર 10 ચોપડી ભણેલો છે. તેણે વડોદરાથી પ્રિ-એક્ટિવેટેડ સીમકાર્ડની ખરીદી કરી અને અલગ અલગ પ્રકારના સાયબર ક્રાઇમ કરનારા ગુનેગારોને વેચ્યા હોવાનું તેમજ અન્ય આરોપી તેના જ ગામના નફીસ નામના વ્યક્તિની સાથે મળી અને હોટેલ ફ્રોડના ગુનાઓમાં કામ કરતો હોવાને કબુલાત પોલીસ સમક્ષ થઈ છે.
ત્રીજો આરોપી રાસીદ જશમાલ ટીવાય.બી.એ.માં અભ્યાસ કરતો હોવાનું તથા તેના દ્વારા ખંભાળિયા પોલીસ મથક વિસ્તારના એક વ્યક્તિ સાથે ન્યૂડ વિડીયો કોલ કરી અને તેનો સ્ક્રીન રેકોર્ડિંગ કર્યા બાદ તે વીડિયોના આધારે બ્લેકમેલીંગ કર્યું હતું. વધુમાં જે યુવતી ન્યૂડ વિડીયો કોલમાં દેખાઈ હતી, તે સ્ત્રીએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કર્યાનો ફોટો મોકલી આપ્યા બાદ યુ-ટયુબર બની અને આ ન્યુડ વિડીયો કોલ રેકોર્ડિંગ અને આત્મહત્યાનો ફેમ ફોટો તેમજ ફેંક સ્યુસાઈડ નોટના આધારે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરાવવાની ધમકીઓ આપી અને રૂપિયા સાડા ચાર લાખની ઓનલાઈન છેતરપિંડી કરાયાનું પણ વધુમાં જાહેર થયું છે.
ચોથા આરોપી મધ્યપ્રદેશના રેવા જિલ્લામાં રહેતા નીરજ સુશીલ દ્વિવેદી બી.ફાર્મ. સુધીનું ભણેલો છે. તેના દ્વારા યુટયુબ ચેનલ દ્વારા ઓનલાઇન યુ.પી.એસ.સી.ના કોચિંગ ક્લાસ ચલાવવામાં આવે છે. સાથે સાથે તે વેબસાઈટ ડેવલપિંગની કંપની પણ ચલાવે છે. તેના દ્વારા અન્ય આરોપી કૌશલેન્દ્રપ્રસાદ વર્માએ બી.ઈ. કોમ્પ્યુટર સાયન્સ સુધીનો અભ્યાસ કર્યો હોવાનું ખુલવા પામ્યુ છે. આરોપી નીરજકુમારની વેબસાઈટ બનાવતો હતો અને નીરજ તથા કૌશલેન્દ્ર સાથે મળીને ૫૦ થી વધુ અલગ અલગ ભારતના પ્રવાસન સ્થળોની જુદી જુદી હોટલો તેમજ રિસોર્ટ બુકિંગની વેબસાઈટો બનાવી હતી. આ વેબસાઈટનું કામ આપનારા વ્યક્તિઓને એક વેબસાઈટના રૂપિયા 8થી 10,000 ચૂકવતા હોવાની તેમજ પોતે 85 થી વધુ ફેક ગૂગલ એડ્સ બનાવી હોવાની પણ કબુલાત પોલીસ સમક્ષ અપાઇ હતી.દ્વારકા જિલ્લા સાયબર સેલ પોલીસ સ્ટાફ દ્વારા નક્કર કામગીરી કરી, અનેક હોટેલ બુકિંગ વેબસાઈટ તેમજ ગૂગલ એડ્સ બનાવનાર, પ્રી-એક્ટિવેટેડ ડમી સીમકાર્ડ વેચનાર, મેળવનાર, ઉપયોગ કરનાર તેમજ ન્યુડ કોલિંગ કરનારની ધરપકડ કરી લીધી છે.