ધોળા દિવસે માત્ર 1 કલાક બંધ મકાનમાંથી 5 લાખની ચોરી

Updated: Oct 23rd, 2023


Google NewsGoogle News
ધોળા દિવસે માત્ર 1 કલાક બંધ મકાનમાંથી 5 લાખની ચોરી 1 - image


સૈનિક સોસાયટીમાં મકાનમાલિકે સોનું ગીરવે મૂકી મળેલા 4.50 લાખ અને મંડળીની ઉઘરાણીનાં 50,000 તસ્કરો ચોરી ગયા

રાજકોટ, : જામનગર રોડ પરની સૈનિક સોસાયટીમાં પ્લોટ નંબર 35માં રહેતા અને ડ્રાઇવીંગ કરતાં બળદેવગીરી પ્રેમગીરી ગોસ્વામી (ઉ.વ. 48)નાં માત્ર એક કલાક બંધ રહેલા મકાનમાં ત્રાટકેલા તસ્કરો રૂા. 5 લાખની મત્તા ચોરી ગયાની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. જેના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી છે. ફરિયાદમાં બળદેવગીરીએ જણાવ્યું છે કે, હાલ મકાનમાં તે અને તેનો પુત્ર રીશી જ રહે છે. રીશી મંડળીમાં પૈસા ઉઘરાવવાનું કામ કરે છે. ગઇકાલે તા. 22ના રોજ સાંજે પાંચેક વાગ્યે તે ઘરેથી પડધરી માતાજીના મંદિરે દર્શન કરવા ગયા હતાં. પાછળથી ઘરે પુત્ર રીશી હતો.

જેણે સાંજે સાડા આઠેક વાગ્યે તેને કોલ કરી કહ્યું કે, પપ્પા તમારા ગયા પછી સાંજના સાડા સાતેક વાગ્યે હું મકાનને તાળું મારી બહાર ગયો હતો. કલાકેક પછી પરત આવીને જોયું તો મઇન દરવાજા પરનું તાળુ ગાયબ હતું. આ વાત સાંભળી તત્કાળ ઘરે પહોંચી જોતા ત્રણેક માસ પહેલા એક કંપનીમાં ગોલ્ડ ગીરવે મુકી મેળવેલા રૂા. 4.50 લાખ ગાયબ હતા. આ સિવાય મંડળીની ઉઘરાણીનાં રૂા. ૫૦ હજાર પણ ગાયબ હતા. કબાટમાંથી કપડા અને બીજો સામાન કાઢી વેરવિખેર કરાયેલો જોવા મળ્યો હતો. રૂા. પાંચ લાખ રૂમમાં આવેલા લાકડાનાં કબાટમાં રાખ્યા હતા. જેને લોક કર્યું ન હતું. તસ્કરો ડેલીનો આગળીયો ખોલી, મેઇન દરવાજાનું તાળુ તોડી અંદર પ્રવેશી રૂમમાં આવેલા કબાટમાંથી રકમ ચોરી ગયા હતાં. જેથી ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. માત્ર એક કલાક બંધ રહેલા મકાનમાંથી ચોરી થતાં પોલીસ સમક્ષ અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા છે. જાણભેદુની સંડોવણી છે કે કેમ તેની પણ પોલીસ તપાસ કરી રહી છે. 


Google NewsGoogle News