વડોદરામાં મહી નદીથી આવતી લાઈનમાં એક મહિનાથી ભંગાણ થતાં પાંચ લાખ લોકોને પાણી માટે વલખા
Vadodara :વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીની લાઈનમાં થતા ભંગાણના રીપેરીંગ અંગે બેદરકારી દાખવવામાં આવતા હજારો લિટર પાણીનો બગાડ થતો હોવાના કિસ્સા અવારનવાર બહાર આવી રહ્યા છે. જેમાં હવે વિશ્વામિત્રી નદીમાંથી નીકળતી અને મહીસાગરથી આવતી પાણીની લાઈનમાં એક મહિનાથી ભંગાણ હોવાથી આશરે પાંચ લાખ લોકોને ઓછા પ્રેશરથી પાણી મળી રહ્યું છે.
વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટરના કહેવા મુજબ વિશ્વામિત્રીમાં યવતેશ્વર પાસે વર્ષો જૂની પાણીની લાઈન પસાર થાય છે. આ એમએસની લાઈન ઉપર સિમેન્ટનું પડ છે. લાઈન જર્જરીત થતા મોટું ભંગાણ થયું છે. જેમાંથી એક મહિના દરમિયાન લાખો લિટર પાણી નદીમાં વહી ગયું છે. આ લાઈન લાલબાગ ટાંકી, જેલ ટાંકી, બુસ્ટર સહિત વિવિધ સ્થળે પાણી પહોંચાડે છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં કોર્પોરેશન દ્વારા સ્કાડા સિસ્ટમ અમલી બનાવી છે. જેના દ્વારા પાણી ઓછું મળતું હોય કે ક્યાંય લીકેજ હોય તો તેની જાણકારી મળે છે, તેવા દાવા કરવામાં આવે છે ,પરંતુ એક મહિનાથી આ લીકેજ છે તો તે કેમ જાણી શકાયું નહીં તે સવાલ છે. વોર્ડ નંબર 13 ના નવાપુરા, હાથી પોળ, દાંડિયા બજાર, ડેરાપોળ, કહાર મોહલ્લા, બકરાવાડી, બરાનપુરા, રાજસ્તંભ, રાજદીપ વગેરે વિસ્તારોમાં પૂરતું વીસ મિનિટ પણ પાણી મળતું નથી. દિવાળીના તહેવારોમાં પણ લોકોએ પાણીની કટોકટી ભોગવી છે. સવાર પડે એટલે લોકોના ફોન પાણીના કકડાટ માટે ચાલુ થઈ જાય છે. મહીસાગર નદીથી આવતી આ લાઈન દ્વારા માજલપુર, દંતેશ્વર વગેરે ઝોનમાં પણ પાણી અપાય છે એટલે કે પાંચ લાખ લોકોને તેની સીધી અસર થઈ રહી છે. કોર્પોરેશનનું તંત્ર શા માટે રીપેર કરતું નથી અને પાણીનો બગાડ કરવા દે છે તે મોટો સવાલ છે.