Get The App

પાટણમાં 5 ઇંચ વરસાદ તો બીજી તરફ કેનાલમાં ગાબડું પડતાં 15થી વધુ સોસાયટીઓ જળબંબાકાર

Updated: Jul 31st, 2024


Google NewsGoogle News
પાટણમાં 5 ઇંચ વરસાદ તો બીજી તરફ કેનાલમાં ગાબડું પડતાં 15થી વધુ સોસાયટીઓ જળબંબાકાર 1 - image


Rainfall in Patan : હવામાન વિભાગની આગાહી વચ્ચે ગત 24 કલાકમાં રાજ્યના 169 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં પાટણમાં 5.1 ઇંચ, સરસ્વતીમાં 4.5 અને અબડાસામાં 4.3 ઇંચ વરસાદ ખાબક્યો છે. આજે પણ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. 

પાટણ શહેર સહિત જિલ્લામાં મંગળવારે મેઘરાજાએ મહેરબાની કરી હોય તેમ વહેલી સવારથી જ વરસાદે વરસવાનું શરુ કરતાં શહેરના નીચાણવાળા વિસ્તાર જળબંબાકાર બન્યા હતા. બે દિવસથી મેધમહેર થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવાની સાથે વાવેતર કરાયેલા પાકને જીવતદાન મળ્યું હોઈ ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી હતી.

પાટણ શહેર સહિત જિલ્લામાં મંગળવારે વહેલી સવારથી જ ધોધમાર વરસાદે ધડબડાટી બોલાવતાં માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. તો નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બનતા લોકોને હાલાકી ભોગવવી પડી હતી. નાના મોટા સૌએ વરસાદમાં પલળવાની મજા માણી આનંદ વ્યકત કર્યો હતો. પાટણ પદ્મનાભ ચાર રસ્તા નજીકની કેનાલમાં ગાબડું પડતાં આ વિસ્તારની 15થી વધુ સોસાયટીમાં પાણી ફરી વળતાં લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.  

આ પણ વાંચો : અમદાવાદમાં જો આ સ્થિતિ રહી તો બેંગ્લોર જેવો વારો આવશે, રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

જો કે આ પાણીના નિકાલ માટે પાલિકા દ્વારા તાત્કાલિક જેસીબી મશીનની મદદથી પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો શહેરના મહાદેવનગર વિસ્તારમાં ભરાયેલ પાણીના નિકાલ માટે પાલિકા તંત્ર દ્વારા ફાઈટર મશીનની મદદથી પાઇપ મારફતે ગુરુનગરમાંથી કર્મભૂમિ માર્ગ પરની ચેમ્બર દ્વારા નિકાલ કરવામાં આવ્યો હતો. આ કામગીરી દરમ્યાન પાલિકા પ્રમુખ સહિતના નગર સેવકો સ્થળ પર હાજર રહ્યા હતા. 

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં સતત બીજા દિવસે પડેલા વરસાદની આંકડાકીય માહિતી આપતાં ડિઝાસ્ટર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે વહેલી સવારથી સાંજ સુધીમાં પાટણમાં 78, સાંતલપુર 63, રાધનપુર 59, સિદ્ધપુર 24, હારીજ 15, સમી 35, ચાણસ્મા 37, શંખેશ્વર 30, સરસ્વતી 92 મી.મી. વરસાદ નોંધાયો હતો. તો સીઝનનો કુલ વરસાદ જિલ્લામાં 240 મી.મી. જેટલો નોંધાયો હોવાનું ડિઝાસ્ટર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.

સિંચાઈ વિભાગના બદલે પાલિકાએ કેનાલનું સમારકામ કર્યું

પાટણ શહેરને પીવાનું પાણી પૂરું પાડતી તેમજ તાલુકાના ગામોમાં સિંચાઈ અને પીવાનું પૂરું પાડતી પદ્મનાથથી વત્રાસર તળાવ સુધીની કેનાલ જર્જરિત હોવાના કારણે વરસાદના કારણે કેનાલ બે બાજુથી તૂટી ગઈ હતી. જેના કારણે કેનાલના પાણી આજુબાજુના ખેતરો અને સોસાયટી વિસ્તારમાં ફેલાયા હતા. આ કેનાલ સિંચાઈ વિભાગની માલિકીની કેનાલ છે. પરંતુ કેનાલ તૂટી જવાથી જવાબદાર અધિકારીઓ તરફથી સિંચાઈ વિભાગના અધિકારીઓને ટેલિફોનિક જાણ કરવા છતાં પણ સિંચાઈ વિભાગના એક પણ અધિકારીઓ સ્થળ ઉપર આવ્યા ન હતા. પાટણ નગરપાલિકાના કામદારો મારફત જીસીબી દ્વારા હાલ તૂટેલી કેનાલનું પુરાણ કરવામાં આવ્યું હતું.


Google NewsGoogle News