ચાલુ વર્ષે કામગીરી દરમિયાન પીજીવીસીએલના 5 કર્મચારીઓ અકસ્માતનો ભોગ બન્યા
- પીજીવીસીએલ દ્વારા વીજકર્મીઓની સેફ્ટીની જાગૃતિ માટે સલામતી સપ્તાહ
- કામગીરી દરમિયાન કર્મચારીઓના અકસ્માતમાં મોતના શૂન્ય લક્ષ્યાંક સાથે વીજતંત્ર દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ થશે
પીજીવીસીએલમાં વીજલાઈનની કામગીરી દરમિયાન સર્જાતા અકસ્માત અને અકસ્માતમાં થતાં કર્મચારીઓના મોતની સંખ્યા શૂન્ય થાય તેવા લક્ષ્યાંક સાથે પીજીવીસીએલ દ્વારા આજે તા.૧૬ થી ૨૧ ડિસેમ્બર સુધી સલામતી સપ્તાહ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે પીજીવીસીએલની દરેક વિભાગિય કચેરી ખાતે અકસ્માત નિવારણ માટે મોકડ્રીલનું આયોજન કરાયું હતું. આવતીકાલે વિભાગીય અને પેટા વિભાગિય કચેરી ખાતે વિવિધ અકસ્માતોની ચર્ચા, સુત્રો, ગીતગાન અને વૃક્ષારોપણ કરવામાં આવશે. તા.૧૮ ડિસેમ્બરના રોજ દરેક પેટા વિભાગિય કચેરીના બે ફીડરો પર સર્વે કરી જરૂરી સમારકામ કરવામાં આવશે. તા.૧૯ ડિસેમ્બરના રોજ સલામતિના શપથ અને સલામતીના સાધનો અંગેની ચકાસણી કરવામાં આવશે. તા.૨૦ ડિસેમ્બરના રોજ વિદ્યાર્થીઓમાં વીજ સલામતીની સમજ કેળવાય તેવા હેતુથી મહાનગરપાલિકા અને નગરપાલિકા હસ્તકની શાળાઓમાં વીજ સલામતિ માટેની ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને ક્વિઝ/ડિબેટ/વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે અને ૨૧ ડિસેમ્બરના રોજ પીજીવીસીએલ વર્તૂળ કચેરી ચાવડી ગેટથી સામાન્ય નાગરિકોમાં વીજ સલામતીની જાગૃતિ આવે તેવા હેતુથી વીજ સલામતી રેલી અને મેપ્લેટ વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત લાઈન સ્ટાફ માટે વીજ સલામતી વર્ક શોપ અને સાંજે લાઈન સ્ટાફ અને કોન્ટ્રાક્ટરના પરિવારના સભ્યો સાથે વીજ સલામતીની ફિલ્મ દર્શાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષ ૨૦૨૪માં વીજ લાઈનની કામગીરી દરમિયાન જુદાં-જુદાં પાંચ અકસ્માતના બનાવો બન્યા છે. જેમાંથી બે પડી જવા તથા વાગી જવાથી ઈજા પહોંચી હોવાના બનાવો છે જ્યારે કર્મચારીઓને વીજશૉક લાગવાના કુલ ત્રણ બનાવો બન્યા છે. જેમાંથી બે બનાવોમાં વીજકર્મીઓના મોત થયા છે.