Get The App

મહેસાણાની ખાનગી કંપનીમાં ભેખડ ધસી પડતા 9 શ્રમિકોના મોત, પીડિત પરિવારોને છ લાખની સહાયની જાહેરાત

Updated: Oct 12th, 2024


Google NewsGoogle News
મહેસાણાની ખાનગી કંપનીમાં ભેખડ ધસી પડતા 9 શ્રમિકોના મોત, પીડિત પરિવારોને છ લાખની સહાયની જાહેરાત 1 - image


Jasalpur Tragedy: મહેસાણાથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. અહીં કડીના જાસલપુર ખાતે ભેખડ ધસતાં 10 શ્રમિકો દટાઈ ગયા હતા, જેમાંથી નવના મૃતદેહ મળી આવ્યા છે. આ દરમિયાન એક મજૂરને જીવિત બહાર કાઢવામાં આવ્યો છે, જે હાલ સારવાર હેઠળ છે. આ ઘટનામાં રાજ્ય સરકારે મૃતકોના પરિવારને ચાર લાખ અને ઈજાગ્રસ્તોને રૂ. 50 હજારની આર્થિક સહાય જાહેર કરી છે. એવી જ રીતે, કેન્દ્ર સરકારે મૃતકોના પરિવારજનોને રૂ. બે લાખ અને ઈજાગ્રસ્તોને રૂ. 50 હજારની સહાયની જાહેરાત કરી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર કડી તાલુકાના જાસલપુરમાં એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરતી વખતે માટીની ભેખડ ધસી પડી હતી. આ દુર્ઘટનામાં 10 જેટલા શ્રમિકો દટાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતાં એમ્બ્યુલન્સ સહિત અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. 

કડી પોલીસના જણાવ્યા અનુસાર ફેક્ટરીમાં 20 ફૂટ નીચે સેફ્ટિ ટેન્ક બનાવવાની કામગીરી ચાલતી હતી. આ દરમિયાન ઇંટોની દિવાલ ધસી પડતાં મજૂરો દટાયા હતા. આ દુર્ઘટનામાં 9 લોકોના મોત થયા છે, જ્યારે એક મજૂરને જીવતો બહાર કાઢવામાં સફળતા મળી છે. 

એક શ્રમિકનું કહેવું છે કે, '20 ફૂટ ઉંડા ખાડાને સમતળ કરવાની કામગીરી ચાલુ હતી. અને બાજુમાં જેસીબીથી કામ ચાલતુ હતું. જેના કારણે માટી ધસી પડતા લોકો દટાયા હતા. માટી ધસી પડવાની સાથે બાજુમાં રહેલી ઈંટોની દિવાલ પણ ધસી પડી હતી'.

આ ઘટનામાં માલિકની બેદરકારી સામે આવી છે. આ કામગીરી ચાલી રહી હતી ત્યારે કામદારોએ જણાવ્યું હતું કે, ‘આ ભાગ જોખમી છે, મોટી દુર્ઘટના સર્જાઇ શકે તેમ છે. પરંતુ તેમની વાતની અવગણના કરાઈ હતી અને કામગીરી આગળ ધપાવી હતી. છેવટે નવી ફેક્ટરીની બની રહેલી દીવાલ ધસી પડી હતી.

આ ઘટનામાં મેનેજર અને સુપરવાઇઝર કૌશિક પરમાર સામે કાર્યવાહી કરવામાં આવશે.  નોંધનીય છે કે સેફ્ટીના સાધનો અભાવ હોવાનું પણ સામે આવ્યું છે. આ ઘટનામાં કોણ જવાબદાર છે તે અંગે તપાસ ચાલુ છે. પોલીસના મતે, માલિકો ભાગી ન જાય તેનું ધ્યાન રાખવામાં આવશે. આ દુર્ઘટના સર્જાતા દશેરાના દિવસે મહેસાણા પંથકમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. 

પીએમઓ દ્વારા સહાયની જાહેરાત

મહેસાણાની દુર્ઘટનાની લઇને પીએમઓ દ્વારા ટ્વિટ કરીને લખ્યું હતું કે ગુજરાતના મહેસાણા નજીક ભેખડ ધસી પડવાની ઘટના અત્યંત દુખદ છે. જેમણે પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે, તેમના મારી પ્રત્યે શોક-સંવેદનાઓ. ઇશ્વર તેમને આ દુખ સહન કરવાનું શક્તિ આપે. આ સાથે જ હું ઇજાગ્રસ્તો જલદી સ્વસ્થ્ય થાય તેવી કામના કરું છું. 

આ ઉપરાંત તેમણે પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી મૃતકોના પરિવારજનો ને 2 લાખની સહાય જાહેર કરી હતી. અને ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. 

મૃતકોના નામ

રાજુભાઇ મેડા, રામપુરા 

મુકેશ કમાલ, ખામાસણ

આશિષ, કાલીમહુડી 

આયુષ્ય, કાલીમહુડી

મહેન્દ્ર રમેશ બારૈયા, રાજસ્થાન

જગન્નાથ રમેશ બારૈયા

અરવિંદ શંભુ, ચારમચરા- દાહોદ

કેવી રીતે બની ઘટના? 

માહિતી અનુસાર કડીના જાસલપુરમાં આવેલી એક ખાનગી સ્ટીલ કંપનીમાં આ ઘટના બની હતી. ત્યાં કંપનીમાં બાંધકામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક જ માટીની ભેખડો ધસી હતી અને મજૂરો દટાઈ જતાં અફરાતફરી મચી ગઈ હતી. અહેવાલ અનુસાર કુલ 10 જેટલા મજૂરો તેમાં દટાયા હતા. જેમાંથી નવના મૃતદેહો કાઢી લેવામાં આવ્યા છે. મૃતદેહો કાઢવા માટે જેસીબીની મદદ લેવામાં આવી રહી છે. પરિવારજનો પહોંચતાં જ મૃતદેહ સોંપવાની કામગીરી હાથ ધરાશે. 



Google NewsGoogle News