દત્તાત્રેય શિખર પરનાં છમકલાંમાં પગલાં લેવા 5 દિવસની મહેતલ

Updated: Oct 7th, 2023


Google NewsGoogle News
દત્તાત્રેય શિખર પરનાં છમકલાંમાં પગલાં લેવા 5 દિવસની મહેતલ 1 - image


અપકૃત્ય કરનારાઓ સામે સરકાર કેમ મૌન? સાધુ સંતોનો સવાલ : જવાબદારો વિરૂદ્ધ કાર્યવાહી કરવા સરકાર અને તંત્રને સાધુ સંતોનું અલ્ટીમેટમ, ત્યારબાદ દત્ત ભક્તો અને નાગા સાધુઓ મોરચો સંભાળશે

 જૂનાગઢ, : જૂનાગઢનાં ગિરનાર પર આવેલા દતાત્રેય શિખર પર ગત તા. 1ના દિગમ્બર જૈન સમાજના અમુક લોકોએ અપકૃત્ય કર્યું હતું. આ મામલે ફરિયાદ અરજી આપવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી તેથી સાધુ સંતોમાં નારાજગી વ્યાપી છે. આજે સાધુ સંતોએ ભવનાથમાં એકત્ર થઈ સાત દિવસ બાદ પણ કોઈ કાર્યવાહી ન નથી છતાં સરકાર કેમ મૌન છે એવો સવાલ કર્યો હતો અને આગામી પાંચ દિવસમાં જવાબદારો સામે કાર્યવાહી કરવા આખરીનામું આપ્યું હતું, જે પછી નાગા સાધુઓ અને દત્ત ભકતો મોરચો સંભાળશે એમ પણ જણાવ્યું હતું.

ગિરનાર એ સનાતન હિન્દુ ધર્મની આસ્થાનું કેન્દ્ર છે. દતાત્રેય શિખર પર દત ભગવાનના ચરણ પગલાં છે. આ પવિત્ર સ્થાન પર ગત તા. 1ના દિગંબર જૈન સમાજના 250-300 લોકો દ્વારા શ્રી ગુરૂ દતાત્રેય મંદિરમાં ચરણ પાદુકાને હાનિ પહોંચાડવા કૃત્ય કરવામાં આવ્યું હતું. આ મામલે ફરિયાદ અરજી આપવામાં આવી હતી પરંતુ સાત દિવસ બાદ પણ પોલીસ દ્વારા  હજુ કોઈ એફઆઈઆર દાખલ કરવામાં આવી નથી. જેથી દત્તભકતો અને સાધુ-સંતોમાં આક્રોશ છે. આજે ભવનાથમાં ગુરૂદતાત્રેય સંસ્થાન દ્વારા સાધુ-સંતોની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં ગિરનાર મંડળના સાધુ-સંતો, મહારાષ્ટ્રના દતભકતો ઉપસ્થિત રહ્યા હતા.  અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુએ જણાવ્યું હતું કે, ગિરનાર એ હિમાલયના પરદાદા છે. ભગવાન દતાત્રેય અને માં અંબાને મસ્તક પર રાખી બેઠા છે. ત્યાં આવું કૃત્ય યોગ્ય નથી. જૈન ધર્મના અમુક લોકો ખોટા રવાડે ચડયા છે.  જયારે ગિરનાર સાધુ મંડળના અધ્યક્ષ ઈન્દ્રભારતી બાપુએ જણાવ્યું હતું કે, અમારા ઈષ્ટદેવ પર ખુરશીના ઘા કરે તે બાબત જરા પણ યોગ્ય નથી. ગુજરાત સરકાર શું કામ કોઈ કાર્યવાહી કરતી નથી ? સનાતન ધર્મ પરના આક્રમણ સામે શા માટે મૌન છે ? સરકાર આ બાબતે કાર્યવાહી કરે એવી માંગ કરી હતી અને જો આમાં કાર્યવાહી નહીં થાય તો નાગા સાધુઓ અને દતભકતો આગળ આવશે અને તેનું પરિણામ અલગ આવશે.

આ અંગે કમંડળકુંડના મહંત મહેશગીરી બાપુએ જણાવ્યું હતું કે, દતાત્રેય ભગવાન સમગ્ર મહારાષ્ટ્રના કુલગુરૂ છે. આ બનાવથી મહારાષ્ટ્ર તેમજ ભારતભરના સનાતનીઓ અને દતભકતોમાં ભારે આક્રોશ છે. ફરિયાદ અરજી આપ્યાના સાત દિવસ વિતી જવા છતાં પ્રશાસન દ્વારા એફઆઈઆર દાખલ થઈ નથી. તેમણે ઉમેર્યું હતું કે, આ અગાઉ પણ જૈન ધર્મના અમુક લોકોએ નામ બદલવા માટેનો પ્રયાસ કર્યો હતો પરંતુ પુરાતત્વ વિભાગમાં તેનો કોઈ ઉલ્લેખ નથી. અવાર-નવાર ગિરનાર પર આવા કૃત્ય કરવામાં આવે છે તેની સામે પગલા લેવાતા  નથી.

મહારાષ્ટ્રથી આવેલા દતભકત વિજય મોરેએ જણાવ્યું હતું કે, અમારી પ્રશાસન સમક્ષ જેણે અપરાધ કર્યો છે તેની સામે એફઆઈઆર કરી અટક કરવામાં આવે એવી માગણી છે. જો આ મામલે કાર્યવાહી નહી થાય તો દતભકતો રસ્તા પર ઉતરશે. મહારાષ્ટ્રથી આવેલા અન્ય દતભકતોએ પણ આવો જ સૂર વ્યકત કર્યો હતો.

સનાતન ધર્મ પર જ શા માટે આક્રમણ ? : મહંત ઈન્દ્રભારતી

મહંત ઈન્દ્રભારતી બાપુએ સવાલ ઉઠાવ્યો હતો કે, સનાતન ધર્મ પર જ શા માટે અવાર-નવાર આક્રમણ કરવામાં આવે છે ? થોડા સમય પહેલા એક સંપ્રદાય દ્વારા સનાતન ધર્મને લઈ વિવાદ ઉભો કરવામાં આવ્યો હતો. તેમાં પણ સરકારે ઢીલી નીતિ રાખી હતી. ત્યારે આ કિસ્સામાં સરકાર કેમ પગલા લેતી નથી એવો સવાલ કર્યો હતો અને પાંચ દિવસમાં પગલા લેવા માંગ કરી હતી.



Google NewsGoogle News