માત્ર 16 જ મિનિટમાં વરસતા વરસાદમાં 5.85 લાખની ચોરી

Updated: Aug 28th, 2024


Google NewsGoogle News
માત્ર 16 જ મિનિટમાં વરસતા વરસાદમાં 5.85 લાખની ચોરી 1 - image


ઉપરના માળે પરિવારના સભ્યોને ઉંઘતા રાખી બાળક સાથે આવેલા 2 તસ્કરો CCTVમાં કેદ :  ભક્તિનગર પોલીસ સાથે ક્રાઇમ બ્રાંચની પણ તપાસ

રાજકોટ, : શહેરના વિરાટનગર મેઇન રોડ પરની ન્યૂ રામેશ્વર સોસાયટી શેરી નં. 6માં રહેતા દર્શનભાઈ ભાવેશભાઈ જાદવ (ઉ.વ. 29)ના મકાનમાં બે દિવસ પહેલા રાત્રે વરસતા વરસાદમાં ત્રાટકેલા તસ્કરો રૂા. 5.85 લાખની મત્તાની ચોરી કરી ગયા હતા. દર્શનભાઈ અને તેના પરિવારના સભ્યો પહેલા માળે સૂતા હતા ત્યારે તેમની ઉંઘમાં ખલેલ પાડયા વગર નીચેના માળે આવેલા રૂમના કબાટને તોડી તસ્કરો હાથફેરો કરી ગયા હતાં. બાઇક પર એક બાળક સાથે આવેલા બે તસ્કરો માત્ર 16 મિનિટમાં જ ચોરી કરી પલાયન થઇ ગયા હતાં. ભક્તિનગર પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તસ્કરોની ઓળખ મેળવી ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે. સાથે ક્રાઇમ બ્રાંચ પણ જોડાઇ છે.

પોલીસને દર્શનભાઈએ જણાવ્યું કે તે ગોંડલ રોડ પર આવેલા ટ્રેક્ટરના શો રૂમમાં મેનેજર તરીકે નોકરી કરે છે. ગઇ તા. 25જુલાઇના રોજ તેના પિતા ભાવેશભાઇનું અવસાન થયું હતું. તેનો નાનોભાઈ આકાશ છે. જેની બે વર્ષ પહેલા સગાઇ થઇ હતી. નાનો ભાઈ બાપુનગરમાં ગાદલાના કારખાનામાં કામ કરે છે. 

ગઇકાલે રાત્રે તે પરિવારના સભ્યો સાથે ઉપરના માળે આવેલા રૂમમાં સૂતો હતો. વહેલી સવારે તેના નાના ભાઈ આકાશે કોલ કરી નીચે આવવાનું કહ્યું હતું. જેથી નીચે આવતા આકાશે કહ્યું કે રાત્રે 11-30 વાગ્યે તે મેઇન દરવાજાને તાળું મારીને મિત્રના ઘરે ગયો હતો. ત્યાંથી બધા મિત્રો જામનગર રોડ પરની રેસ્ટોરન્ટમાં ગયા હતાં. જ્યાંથી ગોંડલ રોડ પરની રેસ્ટોરન્ટે આવ્યા હતાં. ત્યાં નાસ્તો કરી વહેલી સવારે 4.50 વાગ્યે ઘરે પહોંચ્યો ત્યારે મેઇન દરવાજાને જે તાળું માર્યું હતું તે દેખાયું ન હતું.  આંકડીયો ખોલીને અંદર આવી માતાને તાળુ ક્યા ગયું તે બાબતે પૂછતાં માતા પણ નીચે આવ્યા હતાં. 

ત્યારપછી નીચેના રસોડામાં જવાના દરવાજાનો આંકડીયો ખોલી જોતાં અંદર તિજોરીનું ખાનું તૂટેલું હતું. ચોરી થયાનું સ્પષ્ટ બન્યું હતું.  તિજોરી તોડી તેનું પતરૂ વાળી પ્લાસ્ટિકની ડબી અને પાકીટમાં રાખેલા સોના-ચાંદીના  દાગીના અને રોકડ રકમ ગાયબ હતી. તસ્કરો કુલ 8 તોલા સોનાના દાગીના, 1600 ગ્રામ ચાંદીના દાગીના અને રોકડા રૂા. 30,000 ચોરી ગયા હતાં. 

જેથી પાડોશમાં રહેતા હીરલબેન કડિયાને ત્યાં લગાડેલા સીસીટીવી કેમેરા ચેક કરતાં તા. ૨૮ની રાત્રે 12.33 વાગ્યે બાઇક પર ત્રણ વ્યક્તિ દેખાયા હતાં. જે શેરીના ખૂણા પાસેથી પાછા જતાં જોવામાં આવ્યા હતા. એકાદ મિનિટ બાદ બાઇક રાખી, ચાલીને આવી, તેના મકાનના મેઇન દરવાજામાં સળિયા જેવા હથિયાર વડે તાળુ તોડી અંદર જતા દેખાયા હતાં. ચોરી કર્યા બાદ 16 મિનિટ પછી એટલે કે 12.49 વાગ્યે મકાનની બહાર નીકળતા દેખાયા હતાં. ત્રણ વ્યક્તિમાંથી એક નાનુ બાળક હોય તેમ જણાયું હતું.  ભક્તિનગર પોલીસે જણાવ્યું કે ચોરી થઇ ત્યારે વરસાદ વરસી રહ્યો હતો. પરિણામે તસ્કરોના ચહેરા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ દેખાતા નથી. આમ છતાં બીજા કેમેરાની મદદથી તસ્કરોની ઓળખ મેળવવા માટે પ્રયાસો કરવામાં આવી રહયાં છે. ક્રાઇમ બ્રાંચની ટીમો પણ કામે લાગી છે. 


Google NewsGoogle News