રાજ્યની કોલેજોમાં વાય-ફાયની સુવિધા માટે 5- 5લાખની ગ્રાન્ટ છતાં ફલશ્રૂતિ 'નીલ'
ગ્રાન્ટેડ અને સરકારી કોલેજોમાં મુદત વિતી ગઈ છતાં સુવિધા ઉભી ન થઈ લીઝલાઈન સહિતની સુવિધાઓ ઉભી કરવામાં નિષ્ફળ ગયેલી કોલેજોએ વેકેશનનું બહાનું બતાવી છટકી ગઈ; આજથી કોલેજોમાં નવા સત્રનો પ્રારંભ
રાજકોટ, : સૌરાષ્ટ્ર યુનિ. સંલગ્ન કોલેજો સહિત રાજયની 53 સરકારી અને 253 ગ્રાન્ટ ઈન એઈડ કોલેજોને વિદ્યાર્થીઓની ઈન્ટરનેટની સુવિધા મળી રહે તે માટે કોલેજ કેમ્પસમાં વાય-ફાયની સુવિધા ઉભી કરવા માટે પ્રત્યેક કોલેજ દીઢ રૂા. 5 લાખની ફાળવણી કરવામાં આવી હોવા છતાં મુદત વીતી ગયા બાદ હજુ એક પણ કોલેજમાં આ સુવિધા ઉભી કરવામાં નહી આવી હોવાનું બહાર આવ્યું છે.
રાજયની સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોને ગત તા. 12-09-2023નાં રોજ એક પરિપત્ર જાહેર કરીને નોલેજ કોન્સોર્ટીયમ ઓફ ગુજરાત (કેસીજી) દ્વારા રૂા. 5- 5 લાખની ગ્રાન્ટ કોલેજોમાં વાય-ફાયની સુવિધા ઉભી કરવા માટે આપવામાં આવી હતી. જે કામ એક મહિનામાં પુરૂ કરવાની સુચના આપવામાં આવી હતી પરંતુ મોટાભાગની કોલેજોએ દિવાળી વેકેશનનું બહાનું બતાવી કામ અધુરૂ રહ્યું હોવાનું જણાવ્યું હતું.
વાય-ફાયની સુવિધા ઉભી કરવા માટે દરેક કોલેજોએ લીઝલાઈન, ઈન્સ્ટોલ કરવા સહિતની કામગીરી કરવાની રહે છે. પરંતુ 300થી વધુ કોલેજો આ સુવિધા ઉભી કરવામાં નિષ્ફળ રહી છે. દરમિયાન દિવાળી વેકેશન પુરૂ થતુ હોવાથી સૌરાષ્ટ્ર યુનિ. સાથે સંલગ્ન કોલેજો અને ભવનોમાં આવતિકાલ તા.1 ડીસે.થી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે.
શિક્ષણના હેતુ માટે લાખો રૂા.ની ગ્રાન્ટ છતાં કોઈ પ્રકારનું મોનિટરીંગ નથી
રાજકોટ, : સરકારી-ગ્રાન્ટેડ કોલેજોને કેસીજી દ્વારા જે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે તે કેસીજીની કામગીરીનું કોઈ મોનીટરીંગ કરતું નથી. ભારત સરકારનાં આદેશ મુજબ એકેડેમીક કાઉન્સિલની રચના થવી જોઈએ પરંતુ તેના બદલે કેસીજી (નોલેજ કોન્સોર્ટીયમ ઓફ ગુજરાત)ની રચના કરીને સરકાર અટકી ગઈ છે. નિવૃત પ્રિન્સીપાલને 10 થી 12 વર્ષથી કેસીજીનો હવાલો સોંપવામાં આવ્યો હોવાથી સરકારી નાણાનો ઉપયોગ નિયમ મુજબ થતો નથી. છતાં કોઈ પગલાં લેવાતા નહી હોવાનું શિક્ષણ ક્ષેત્રના તજજ્ઞાોએ જણાવ્યું હતું.