ધોરાજીમાં નેશનલ હાઇ-વેના સર્વિસ રોડ ઉપર 5- 5 ફૂટના ખાડા

Updated: Aug 30th, 2024


Google NewsGoogle News
ધોરાજીમાં નેશનલ હાઇ-વેના સર્વિસ રોડ ઉપર 5- 5 ફૂટના ખાડા 1 - image


લાખોનો ટોલટેકસ ભરવા છતાં વાહનચાલકોને જીવનું જોખમ : 'ખાડાનગરી ધોરાજીમાં આપનું સ્વાગત છે...' એવાં બેનર લાગ્યા બાદ પણ નિંભર સરકારી તંત્રની આંખ ઉઘડતી નથી, જીવલેણ અકસ્માત સર્જાવાનો ભય

ધોરાજી, : હાલમાં ધોરાજી નેશનલ હાઇ-વેનાં બાયપાસ ઉપર સવસ રોડ છે, જે સર્વિસ રોડ ઉપરથી પોરબંદર તરફ જવાય રહ્યું છે. એક સર્વિસ રોડ ઉપરથી ધોરાજી માર્કેટિંગ યાર્ડ તરફ જવાય છે અને એક સર્વિસ રોડથી ધોરાજીથી રાજકોટ તરફ જવાય છે. આ રોડ ઉપર પાંચ પાંચ ફૂટના ખાડા પડયા છે. અહીં મસ-મોટા ટોલનાકા ઉપલેટા તરફ છે તો કુતિયાણા તરફ પણ છે. રાજકોટ જવા માટે બે ટોલનાકા છે. વાહન  ચાલકો દ્વારા લાખોનો ટોલ ટેક્સ ભરવા છતાં પણ જો ખાડા ન બુરી શકાય તો શરમજનક બાબત કહેવાય, તેવો રોષ ફેલાયો છે.

રાજકોટ જિલ્લાના સહકારી આગેવાન અને ખેડૂત નેતાએ આક્રોશ ઠાલવ્યો છે કે, ધોરાજી શહેરનાં તમામ વોર્ડમાં એક પણ રસ્તો એવો નહીં હોય કે ખાડા નહીં હોય અને ખાડા નગરી ધોરાજી તરીકે છાપ બની ગઈ છે. આ સમયે નગરપાલિકાનું તંત્ર અને વહીવટદાર સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે.  બીજી તરફ જોઈએ તો ધોરાજીના સ્ટેટ હાઇવે ગણાતા જમનાવડ રોડ, ઉપલેટા રોડ, જુનાગઢ રોડ, જેતપુર રોડ વગેરે હાઇવે પણ મસમોટા ખાડા પડી ગયા છે અને વરસાદનું પાણી ભરેલું હોવાથી ખાડા દેખાતા નથી. કેટલાય લોકો પડી જવાને કારણે ફેક્ચર થયા છે. ઘણા બધા લોકોને ઈજા થઈ છે. આ બાબતે રજૂઆત કરવી તો કોને કરવી તે મોટો સવાલ ઊભો થયો છે.

નેશનલ હાઈવે ઉપર તો ટોલનાકા છે અને ત્યાં તાત્કાલિક ખાડા બુરતા જતા હોય તેવી ચર્ચાઓ ચાલતી હતી, પરંતુ નેશનલ હાઇ-વેના સર્વિસ રોડ જોતા ધોરાજીથી પોરબંદર ધોરાજીથી માર્કેટિંગ યાર્ડ ધોરાજીથી રાજકોટ જવાનો જે માર્ગ છે. તે સવસ રોડ ઉપર પણ પાંચ પાંચ ફૂટના ખાડા પડી ગયા છે અને અચાનક જો કોઈ લોકો ત્યાં મોટરસાયકલ લઈ નીકળે અથવા તો નાના ફોરવ્હીલ લઈને નીકળે તો અકસ્માત સર્જાય તેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે.. ખેડૂતોને માર્કેટિંગ યાર્ડ જવું હોય તો સો ટકા મુશ્કેલી નડે અને મોટો અકસ્માત થાય તેવી સંભાવના જોવા મળી રહી છે. આ બાબતે તાત્કાલિક ધોરાજી શહેર અને નેશનલ હાઇ-વે ના જે ભાગો આવે છે તેના પર મોરમ પાથરીને અથવા તો પેચવર્ક કરીને તાત્કાલિક ખાડા બુરવામાં આવે તેવી માંગણી છે. આ બાબતે થોડા સમય પહેલા જ 'ધોરાજી ખાડાનગરીમાં આપનું સ્વાગત છે.' તે પ્રકારના બેનરો લાગ્યા હતા છતાં પણ નિંભર તંત્રની આંખ ઊઘડી નથી. આજે સમગ્ર ધોરાજીની હાલત ખરાબ છે  અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ ધોરાજી તરફ જોતા ન હોય તેવું લાગી રહ્યું છે અથવા તો તેમનું અધિકારીઓ માનતા ન હોય તેવું ચર્ચાઇ રહ્યું છે.


Google NewsGoogle News