નર્મદાના પીપલોદ ગામે 48 વર્ષીય મહિલાનું ગળુ દબાવીને કરાઈ કરપીણ હત્યા, આરોપીની ધરપકડ
Narmada News : ગુજરાતના નર્મદાના પીપલોદ ગામે 48 વર્ષીય મહિલાનું ગળું દબાવીને કરપીણ હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપીને ઝડપી પાડવા તપાસ આદરી હતી. જેમાં મૃતક મહિલાના ભત્રીજાએ પોતાની કાકી પાસે અઘટીત માંગણી કરી હતી અને તેનો ઈનકાર કરતાં ભત્રીજાએ કાકીનું ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. આ મામલે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપી મૃતક મહિલાનો ભત્રીજો નીકળ્યો
નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના પીપલોદ ગામે રમીલાબહેન વસાવા નામની મહિલાની પોતાની ઘરના આંગણામાં લાશ મળી આવી હતી. ઘટનામાં મૃતક મહિલાના ગળાના ભાગે ઈજાના નિશાન જોવા મળ્યા હતા. મૃતક મહિલાને ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાની આશંકા પરિવારજનોએ વ્યકત કરી હતી. સમગ્ર મામલે દેડીયાપાડા પોલીસ મહિલાના મૃતદેહને પીએમ માટે મોકલીને તપાસ આદરી હતી.
દેડીયાપાડા પોલીસ સ્ટેશનની ટીમે ફરિયાદના આધારે શંકાસ્પદ ઇસમોની અલગ-અલગ વ્યકતિગત તેમજ હ્યુમન સોર્સીસ આધારે સઘન પુછપરછ કરી હતી. આ સાથે પોલીસે એફ.એસ.એલ., ડોગસ્કોડની મદદથી આખરે આરોપીને શોધી કાઢ્યો હતો. જેમાં આરોપી બીજુ કોઈ નહી પરંતુ મૃતક મહિલાનો ભત્રીજો નીકળ્યો હતો.
આ પણ વાંચો: મણીપુર મામલે મૌન રહેતી ભાજપની ભગીની સંસ્થાઓ પ. બંગાળ રમખાણો મુદ્દે રસ્તા પર ઉતરી
સમગ્ર મામલે આરોપીએ જણાવ્યું હતું કે, 'કાકી પાસે અઘટીત માંગણી કરી હતી અને એ ન સ્વીકારતા કાકીનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી.' પોલીસે પીપલોદના રહેવાસી મહેશ વસાવાની ધરપકડ કરીને આગળી કાર્યવાહી હાથ ધરી છે.