ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ વકર્યો, અઠવાડિયામાં જ મૃત્યુઆંક બમણો વધી 48 થયો, કુલ કેસ 127
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરાને પ્રસરતો અટકાવવા માટે આરોગ્ય વિભાગના વિવિધ દાવા અને વાસ્તવિક્તામાં ઘણું અંતર હોય તેમ જણાય છે. શંકાસ્પદ ચાંદીપુરાથી મૃત્યુઆંક વધીને હવે 48 થઇ ગયો છે. 19 જુલાઇના રોજ ચાંદીપુરાથી કુલ મૃત્યુઆંક 20 હતો. આમ, એક સપ્તાહમાં જ ચાંદીપુરાથી કુલ મરણાંકમાં બમણાથી વઘુનો વધારો થયો છે.
એક સપ્તાહમાં મરણાંક બમણાથીય વઘુ
આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં વાયરલ એન્કેફેલાઇટિસના કુલ 127 કેસ છે. જેમાં સાબરકાંઠાના 12, અરવલ્લી-મહેસાણાના 7, મહીસાગર-છોટા ઉદેપુર-નર્મદા-વડોદરા કોર્પોરેશન-સુરત કોર્પોરેશનના 2, ગાંધીનગર ગ્રામ્ય-ખેડા-જામનગર-વડોદરાના 6, રાજકોટ-સુરેન્દ્રનગર-મોરબી-બનાસકાંઠાના 5, અમદાવાદ કોર્પોરેશનના 12, પંચમહાલના 15, ગાંધીનગર કોર્પોરેશન-દાહોદ-કચ્છ-ભરૂચના 3, ભાવનગર-દેવભૂમિ દ્વારકા-અમદાવાદ ગ્રામ્ય-જામનગરના 1, રાજકોટ કોર્પોરેશનના 4 કેસનો સમાવેશ થાય છે.
કુલ પોઝિટિવ કેસ વધીને 39
હાલ ચાંદીપુરાના કુલ 39 પોઝિટિવ કેસ છે જ્યારે અન્યના રીપોર્ટ હજુ આવવાની રાહ જોવાઇ રહી છે. સાબરકાંઠામાંથી સૌથી વઘુ 6 દર્દી પોઝિટિવ મળી આવ્યા છે. શંકાસ્પદ ચાંદીપુરાના 127 કેસ પૈકી પંચમહાલમાંથી 6, અમદાવાદ કોર્પોરેશનમાંથી પાંચના મૃત્યુ થયેલા છે. ગુજરાતમાં હાલ વાયરલ એન્કેફેલાઇટિસના કુલ 42 દર્દી દાખલ છે અને 37ને રજા અપાઇ છે.
ચાંદીપુરા અટકાવવા વિવિધ પગલાંના દાવા છતાં નિષ્ફળતા
આરોગ્યની ટીમ દ્વારા પોઝિટિવ અને શંકાસ્પદ મળેલા દર્દીના ઘર તેમજ તેની આસપાસના વિસ્તારના ઘરોમાં મળીને કુલ 42,637 ઘરમાં સર્વેલન્સની કામગીરી જ્યારે કુલ 5.45 લાખથી વઘુ ઘરમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કરાયું હોવાનો દાવો કરાયો છે. ચાંદીપુરાના સૌથી વઘુ કેસ નોંધાયા હોય તેમાં ગુજરાત મોખરાના રાજ્યોમાં સ્થાન ધરાવે છે.
અમદાવાદમાં ચાંદીપુરાના 3 પોઝિટિવ કેસ
અમદાવાદ શહેરમાં અત્યારસુધી ચાંદીપુરાના 3 કેસ નોંધાયા છે. જેમાં દક્ષિણ ઝોનના બે અને પશ્ચિમ ઝોન 1 કેસનો સમાવેશ થાય છે. સાબરમતી, લાંભા અને દાણીલીમડા વિસ્તારના દર્દીને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. અમદાવાદ મ્યુનિ. કોર્પો.ના આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર તંત્ર પાસે કુલ 11 શંકાસ્પદ દર્દીઓ આવ્યા હતા અને તેમના સેમ્પલ લેબમાં મોકલાયા હતા. 11 માંથી 3 પોઝિટિવ અને 8 નેગેટિવ આવ્યા છે.