નડિયાદ શહેરમાં સરદાર ભુવનની 46 દુકાનો તોડાશે
- નગરપાલિકાએ ફટકારેલી નોટિસને હાઈકોર્ટે માન્ય રાખી : મ્યુનિ. કમિશનરના ચાર્જ સંભાળ્યા બાદ કાર્યવાહી કરાશે
- કાંસ પરની દુકાનો ખાલી કરી કબજો સોંપવા પાલિકાએ નોટિસ આપતા ભાડૂઆતો હાઈકોર્ટમાં પહોંચ્યા હતા ઃ પોલીસ મથકની સામેની ૧૩ દુકાનોનો મામલો હજૂ ગુંચવાયેલો
નડિયાદ : નડિયાદમાં કાંસ ઉપર આવેલી સરદાર ભુવનની ૪૬ દુકાનો ખાલી કરી પાલિકાને કબજો પરત સોંપવા મામલે હાઈકોર્ટ દ્વારા પાલિકાની નોટિસને માન્ય રાખવામાં આવી છે. હવે મનપા કમિશનરના ચાર્જ સંભાળ્યા બાદ દુકાનો ખાલી કરીને તોડવાનો નિર્ણય લેવામાં આવશે. જ્યારે ટાઉન પોલીસ મથક સામે આવેલી ૧૩ દુકાનોનો મામલો હજૂ પણ ગુંચવાયેલો છે. પ્રાંત અધિકારી દ્વારા નિર્ણય આપ્યા બાદ આગળની કાર્યવાહી કરાશે.
નડિયાદ બસ સ્ટેન્ડ પાસે કાંસ ઉપર આવેલી સરદાર ભુવનની ૪૬ દુકાનોનો સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટીવ આવતા પાલિકા દ્વારા તમામ દુકાનો ખાલી કરી, કબજો પાલિકાને પરત સોંપવા માટે ભાડૂઆતોને નોટિસ ફટકારી હતી. તે સમયે દુકાનના ભાડૂઆતો હાઈકોર્ટમાં પહોંચ્યા હતા. હાઈકોર્ટ દ્વારા પાલિકા પાસેથી જવાબ માંગવામાં આવ્યો હતો. ત્યારે પાલિકા દ્વારા સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ સહિત સરકારી પરિપત્રો રજૂ કર્યા હતા. જેથી હાઈકોર્ટ દ્વારા પુરાવાઓના આધારે પાલિકાની નોટિસને માન્ય રાખી હતી. આ અંગે નડિયાદ મહાનગરપાલિકાના ડેપ્યૂટી કમિશનર રૂદ્રેશ હુદળે જણાવ્યું હતું કે, ભાડૂઆતોને નોટિસ અપાતા તે કોર્ટમાં ગયા હતા.કોર્ટે પાલિકાની નોટિસ માન્ય રાખી છે. હવે મ્યુનિ. કમિશનર ચાર્જ સંભાળે તે બાદ દુકાનો ખાલી કરી અને તોડવાનો નિર્ણય લેવામાં આવશે. બીજી તરફ નડિયાદ ટાઉન પોલીસ મથકની સામે આવેલી ૧૩ દુકાનોનો મામલો ગુંચવાયેલા છે. પાલિકાએ પ્રથમ નોટિસ અને બીજી નોટિસમાં દર્શાવેલા કારણમાં ભેદ હોવાનું જણાવી દુકાનદારોએ તંત્રની મેલી નીતિ હોવાના આક્ષેપ લગાવ્યા છે. આ મામલો પ્રાંત ઓફિસમાં હોવાથી પ્રાંત ઓફિસર દ્વારા ચોક્કસ નિર્ણય આપ્યા બાદ કાર્યવાહી શક્ય છે.
40 કરોડના ખર્ચે શહેરમાં કાંસની કામગીરી કરાશે : ડે.મ્યુનિ. કમિશનર
ડે. મ્યુનિ. કમિશનરે જણાવ્યું હતું કે, શહેરમાં ચોમાસામાં પાણી ભરાયા હતા તેની પાછળનું મુખ્ય કારણ શહેરના મધ્યમાંથી પસાર થતો કાંસ હતો. સરદાર પ્રતિમા પાસે આવેલા સરદારભુવન કોમ્પ્લેક્સમાં ૪૬ દુકાનો આવેલી છે. આ કોમ્પ્લેક્સ સંપુર્ણ કાંસ ઉપર બંધાયેલું છે. દુકાનો નીચેથી કાંસની સફાઈ ન થતાં પાણી ભરાયા હતા. આ દુકાનો હટાવાયા બાદ આ સ્થળ સહિત શહેરમાં અંદાજે રૂ.૪૦ કરોડના ખર્ચે નવા કાંસની કામગીરી અને સમારકામ કરાશે.
મનપા દ્વારા રસ્તા ખૂલ્લા કરવા અન્ય દબાણો દૂર કરાય તેવી શક્યતા
પાલિકાએ અગાઉ કચેરી પાસેની જર્જરિત દુકાનો તોડી પાડી હતી. હવે સરદાર ભુવનની દુકાનો મામલે પણ મનપાને લીલી ઝંડી મળી ગઈ છે. તેમજ પોલીસ મથકની સામેની દુકાનનો મામલો પેન્ડિંગ છે. ત્યારે મનપા દ્વારા રસ્તા ખૂલ્લા કરવા જૂના-નવા બસસ્ટેન્ડ, સંતરામ મંદિર માર્ગના દબાણો અને દુકાનો મામલે મહત્વના નિર્ણય લેવાય તેવી સંભાવના છે.