વડોદરાના વેપારીની ૪૬ વર્ષીય પુત્રીએ દીક્ષા લીધી
વડોદરાઃ વડોદરા શહેરના વ્યવસાયીના ૪૬ વર્ષીય દીકરી જિગીષાબેન શાહે વૈભવી જીવન ત્યાગીને આજે અમદાવાદ ખાતે બોપલમાં પાવાપુરી ઉપધાન મંડપમાં ગચ્છાધિપતિ આચાર્ય યુગભૂષણસુરી મહારાજની નિશ્રામાં યોજાયેલા એક સમારોહમાં દીક્ષા લીધી હતી.તેમને સાધ્વી જીનદ્રષ્ટિશ્રીજી મહારાજ નામ આપવામાં આવ્યું હતું.
વડોદરામાં ફર્નિચરનો વ્યવસાય કરતા ગિરીશભાઈના પુત્રી જિગીષાબેને એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરીને બીએસસીની ડિગ્રી મેળવી હતી.તેમના લગ્ન અમદાવાદમાં આર્કિટેકટ શૈલભાઈ શાહ સાથે થયા હતા.
તેમના બે પુત્રો પૈકી ૧૭ વર્ષીય પ્રવરભૂષણ વિજયજી પાર્શ્વ તેમજ ૧૫ વર્ષીય રત્નભૂષણ વિજયજીએ પણ ૨૦૧૭માં ગચ્છાધિપતિ આચાર્ય યુગભૂષણસૂરી મહારાજના હસ્તે મુંબઈમાં દીક્ષા લીધી હતી.
જિગીષાબેન શાહના પિતા ગિરીશભાઈએ કહ્યું હતું કે, મારી પુત્રીએ પણ સંસાર હવે અસાર છે તેવુ અનુભવીને દીક્ષા ગ્રહણ કરી છે.આ નિમિત્તે ચાર દિવસથી વસ્ત્રો રંગવાનો, વર્ષીદાનનો વરઘોડો અને અંતિમ સંસારિક વિદાય જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
આજે દીક્ષા ગ્રહણ કરવાના કાર્યક્રમમાં વડોદરાના પણ સેંકડો જૈન ભાવિકોએ હાજરી આપી હતી.