બોટાદમાં ભાણેજના પાપે મામાએ કર્યો આત્મહત્યા, ભાણેજને વ્યાજે અપાયેલા રૂપિયાના લીધે વ્યાખોરો કરતા હતા ટોર્ચર
Botad News : ગુજરાતમાં વ્યાજખોરોના ત્રાસથી 45 વર્ષીય આધેડે ઝેરી દવા પીને મોતને વ્હાલું કર્યું. બોટાદ શહેરમાં ભાવનગર રોડ પરના સિતારામ નંબર 1 ખાતે રહેતાં આધેડે પોતાના ભાણેજને 8 ટકાને વ્યાજે 8.50 લાખ રૂપિયા અપાવ્યા હતા. વ્યાજે લીધેલા રૂપિયા ભાણેજ ન ભરતાં વ્યાજખોરો મામા પાસે રૂપિયાની ઉઘરામી કરીને ધમકી આપતા હતા. અંતે આધેડે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આપઘાત કરી લીધો હતો. સમગ્ર મામલે મૃતકના પિતાએ બે વ્યાજખોરો વિરુદ્ધમાં બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
બોટાદમાં વ્યાજખોરોના ત્રાસથી આધેડે કર્યો આપઘાત
મળતી માહિતી મુજબ, બોટાદ શહેરના સિતારામ નંબર 1 ખાતે રહેતાં જયસુખભાઈએ તેમના ભાણેજ નિજિલને પૈસાની જરૂર હોવાથી ચોગઠ ગામના સાદુળ મેર અને ભાવનગરના ભરત સોહલા પાસેથી 8 ટકા વ્યાજે 8.50 લાખ રૂપિયા અપાવ્યા હતા. આ પછી નિજિલ વ્યાજના પૈસા ન ચૂંકવતા વ્યાજખોરો જયસુખભાઈ પાસે જઈને રૂપિયાની ઉઘરાણી કરતાં હતા અને ધમકી પણ આપતા હતા.
પોલીસ ફરિયાદ મુજબ, વ્યાજખોરો દ્વારા અવર-નવર વ્યાજની માંગણી કરીને ધમકી આપતાં હોવાથી જયસુખભાઈએ બોટાદ-ભાવનગર રોડ પરના વાડી વિસ્તારમાં જઈને ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી. સમગ્ર ઘટના મામલે મૃતકના પિતા ઠાકરશીભાઈ ગાંભવાએ બંને વ્યાજખોરો વિરૂદ્ધમાં બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી.