સિવિલમાં દોઢ માસમાં ડેન્ગ્યુના 424, મલેરીયાના 399 કેસ
- વરસાદની વિદાય બાદ પણ બિમારીથી વધુ બે મોત : તાવમાં 339, ગેસ્ટ્રોના 147 દર્દી નોંધાયા
સુરત,:
ચોમાસાની મોસમની વિદાય થયા બાદ પણ સુરત સહિતના વિસ્તારોમાં પાણી અને મચ્છરજન્ય બીમારીના કેસ યથાવત રહેવા પામ્યા છે. તેવા સમયે અમરોલીમાં તાવ અને ઉલ્ટી થયા બાદ બાળકી અને અલથાણમાં ઝાડા થયા બાદ આઘેડનું મોત નીપજ્યું હતું. જ્યારે સિવિલમાં છેલ્લા દોઢ માસમાં ડેન્ગ્યુમાં ૪૨૪, મલેરીયામાં ૩૯૯, તાવમાં ૩૩૯, ગ્રેસ્ટોના ૧૪૭ દર્દી સારવાર અર્થે આવ્યા હતા.
સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ અમરોલીમાં પાણીની ટાંકી પાસે મંદિર નજીકમાં રહેતી ૧ વર્ષીય પ્રતી શ્યામલાલ ગૌતમ ગત સવારે તાવ આવતો અને ઉલ્ટી થઇ હતી. જેથી તેને સારવાર માટે સ્થાનિક દવાખાનામાં લઇ ગયા હતા. જોકે ગત સાંજે તેની તબિયત વધુ લથડતા બેભાન થઇ જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા. જયાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હોવાનું તેમના પરિચિતે કહ્યુ હતું. જયારે તે મુળ ઉતરપ્રદેશમાં ગાંજીપુરાની વતની હતી. તેનો એક ભાઇ છે. જોકે તેના પરિવારજનો બે દિવસ પહેલા રોજી રોટી માટે સુરત આવ્યા હતા. તેના પિતા મજુરી કામ કરે છે. બીજા બનાવમાં અલથાણમાં નવી વસાહતમાં રહેતા ૪૫ વર્ષીય શૈલેષ બચુભાઇ રાઠોડ ગત રાતે ઝાડા થતા હતા. બાદમાં તેની તબિયત બગડતા બેભાન થઇ જતા સારવાર માટે ૧૦૮માં નવી સિવિલ ખસેડાયો હતો. જયાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
નોધનીય છે કે, શહેરમાં વરસાદ વિદાય થયા પછી પણ ઝાડા-ઉલટી, ડેન્ગ્યુ, મલેરિયા, કોલેરા, તાવ, શરદી, ખાંસી સહિતની બીમારીમાં લોકો સપડાય રહ્યા છે. જેને લીધે નવી સિવિલમાં ઓકટોબર માસમાં ડેન્ગ્યુમાં ૩૪૩, મલેરીયામાં ૩૬૭, તાવમાં ૨૨૬, ગ્રેસ્ટોના ૯૬ અને કોલેરામાં ૧ દર્દી અને નવેમ્બર માસમાં છેલ્લા ૧૫ દિવસમાં ડેન્ગ્યુમાં ૮૧, મલેરીયામાં ૩૨, તાવમાં ૧૪૭, ગ્રેસ્ટોના ૫૧ દર્દીઓ સારવાર અર્થે આવ્યા હતા.