સુરત પાલિકાના જુના-નવા વિસ્તારની ડ્રેનેજ સિસ્ટમ માટે 415 કરોડના અંદાજ મંજુર : રાંદેર-અડાજણની 2050ની વસ્તીને ધ્યાને લઈ વિઝિબિલિટી રિપોર્ટ તૈયાર
Surat Corporation : દિવાળી પહેલા ગઈકાલ સોમવારે સુરત પાલિકાની ડ્રેનેજ કમિટિની બેઠક મળી હતી જેમાં સુરત પાલિકાના જુના અને હદ વિસ્તરણ બાદના નવા વિસ્તારમાં ડ્રેનેજની સુવિધા ઉભી કરવા કે અપગ્રેડ કરવા માટે 415 કરોડના કામના અંદાજોને મંજુરી આપવામાં આવી હતી. ઉપરાંત રાંદેર અડાજણની 2050ની વસ્તીને ધ્યાને લઈ ડ્રેનેજ સુવિધા માટે ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરાયો છે. ત્યારબાદ નવા આયોજનનો અમલ કરવા માટે પણ કવાયત શરૂ કરવામાં આવી છે. ઉપરાંત સરથાણામાં 130 કરોડના ખર્ચે સુએઝ સિસ્ટમ, અઠવા ઝોનમાં 129 કરોડના ખર્ચે સ્ટોર્મ ડ્રેઇન નેટવર્ક નાંખવા માટે દરખાસ્ત મંજુર કરવામાં આવી છે.
સુરત મહાનગરપાલિકાની પશ્ચિમ ઝોન વિસ્તાર સુરત મહાનગરપાલિકાના વસ્તીની દ્રષ્ટિએ સૌથી ઝડપથી વિકસતા છે. અગાઉની ધારણા સામે વસ્તીની દ્રષ્ટિએ આ વિસ્તારનો વિકાસ પ્રમાણમાં ઘણો વધુ થયો છે. જેના કારણે હાલમાં રાંદેર ઝોનમાં અડાજણ અને રાંદેર તથા પાલનપોર વિસ્તારમાં ડ્રેનેજની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે રાંદેર અડાજણની 2050ની વસ્તીને ધ્યાને લઈ ડ્રેનેજ સુવિધાનો ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કર્યા છે અને આગોતરું આયોજન કરાશે.
આ ઉપરાંત ગઈકાલે મળેલી ડ્રેનેજ કમિટીની બેઠકમાં સુરત શહેરના વિવિધ વિસ્તારમાં ડ્રેનેજ નેટવર્ક માટેના 415.49 કરોડના કામો રજૂ કરવામાં આવ્યા હતા. તે અંદાજોને મંજુરી આપવામાં આવી છે. પાલિકામાં સમાવિષ્ટ નવા વિસ્તાર પૈકી સરથાણા ઝોનમાં સમાવિષ્ટ ગામો પૈકી વાલક, ભાદા વિસ્તારમાં અને આઉટર રીંગરોડને લાગુ ટી.પી. 85 સરથાણા-પાસોદરા-લસકાણામાં સુઅરેજ સિસ્ટમ નાંખવા, શુદ્ધિકરણ પાછળ 130.46 કરોડ રૂપિયાના અંદાજ મંજુર કર્યા છે. રાંદેર ઝોનમાં 4.51 કરોડના ખર્ચે પાલ-પાલનપોર સુએઝ પમ્પીંગ સ્ટેશન ઓગમેન્ટેશન-મોડીફીકેશન અને પાંચ વર્ષના ઓપરેશન-મેઇન્ટેનન્સ સહિતની કામગીરી થશે. રાંદેરમાં જ 5.72 કરોડના ખર્ચે અડાજણ સુએઝ પમ્પીંગ સ્ટેશન ની ઓગમેન્ટેશન-મોડીફીકેશન કામગીરીની દરખાસ્ત મંજુર કરવામાં આવી છે.
ઉપરાંત સરથાણા ઝોનમાં ડ્રાફ્ટ ટી.પી.21 અને 51માં આઇકોનિક રોડમાં આવેલ ખાડી પર 6.71 કરોડના ખર્ચે આરસીસી બોક્ષ બનાવાશે. પાલિકાના વરાછા ઝોન-બી એટલે કે સરથાણામાં ટી.પી. સ્કીમ નંબર-51 કોસમાડા-ખડસદ પાસોદરા-સીમાડામાં 62.92 કરોડના ખર્ચે આઉટર રીંગરોડ તથા વિવિધ ટી.પી. રસ્તા પર વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ ડ્રેઈન નાંખવાના અંદાજ પણ મંજૂર કર્યા છે. અઠવા ઝોનમાં ટી.પી.75 વેસુ, મગદલ્લા, ગવિયર, આભવા તથા ટી.પી.26 આભવામાં સ્ટોર્મ બોક્ષ ડ્રેઇન નેટવર્કના અંદાજને પણ લીલી ઝંડી મળી છે. રાંદેર ઝોનમાં ભેસાણ ગ્રુપ ગ્રામ પંચાયત અને મલગામા ગ્રામ પંચાયત વિસ્તારમાં 62.52 કરોડના ખર્ચે સમગ્ર સુઅરેજ સિસ્ટમ પ્રસ્થાપિત કરવા માટે ડ્રેનેજ નેટવર્ક, સુએઝ પમ્પીંગ સ્ટેશનો અને રાઇઝીંગ મેઈન લાઈન સહિતના ડી.પી.આર.માં સૂચિત જગ્યા મુજબની દરખાસ્ત મંજુર કરવામાં આવી છે.