મોરબીમાં રોડ બનાવવા માટેની સિમેન્ટની 400 થેલી પડી રહેતા 'પથ્થર' બની ગઈ!
નગરપાલિકા વખતના સત્તાધિશોનાં અણઘડ વહીવટનો વધુ એક કિસ્સો : પ્રજાના પૈસાનું પાણી થતાં રાજકારણ ગરમાયું : જવાબદારો સામે ફોજદારી પગલાં ભરવાની માંગ : મ્યુનિસિપલ કમિશનરે તપાસ કમિટી રચી
મોરબી, : મોરબીને મહાનગરપાલિકા બનાવ્યા બાદ વિકાસકાર્યોનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે, પરંતુ નગરપાલિકા વખતના ભૂતકાળના શાસનના પાપો છાપરે ચડીને પોકારી રહ્યા છે. જેમાં લોક ભાગીદારીથી સીસી રોડ બનાવવા માટે ખરીદી કરવામાં આવેલી સિમેન્ટની 400 થેલીઓ વપરાયા વિના જ પડી રહી છે અને સિમેન્ટ બેગ જામી જતા પથ્થર બની ગયા છે. જેના પગલે રાજકારણ પણ ગરમાતું જોવા મળી રહ્યું છે. બીજી તરફ આ મામલે મ્યુનિ. કમિશનરે તપાસ કમિટી રચી છે.
મોરબીમાં વર્ષ 2020માં લોક ભાગીદારીથી રોડ બનાવવા માટે સિમેન્ટની ખરીદી કરવામાં આવી હતી. જે પૈકી 400 સિમેન્ટ બેગ જેમની તેમ પડી રહી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર અગાઉ લીલાપર આવાસ યોજનામાં સિમેન્ટ થેલીઓ પડી હતી અને તાજેતરમાં મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગમાં સિમેન્ટ થેલીઓ હાલ પડેલી જોવા મળે છે. જે સિમેન્ટ બેગમાં સિમેન્ટને બદલે પથ્થર થયેલા જોવા મળી રહ્યા છે. સિમેન્ટનો વપરાશ કરવાનું રહી ગયું હતું અને તંત્રના પાપે સિમેન્ટ થેલીઓ પડી પડી પથ્થર બની ગઈ છે.
આ વાત ધ્યાને આવતા સિમેન્ટ બેગ વપરાયા વિના જ પડી રહેતા હવે ઉપયોગલાયક રહી નથી, જે મામલે રાજકારણ ગરમાયું છે. શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે પાલિકાના અણઘડ વહીવટને કારણે 400 સિમેન્ટ બેગ વપરાયા વિના જ પડી રહી છે. પ્રજાના ટેક્ષના પૈસાનો દુર્વ્યય થઇ રહ્યો છે, જેથી જવાબદાર સામે કાયદેસર પગલા ભરવા અને ફોજદારી રાહે કાર્યવાહી કરવા માંગ કરી હતી. જે મામલે શહેર ભાજપ પ્રમુખ રીશીપ કૈલાએ જણાવ્યું હતું કે સિમેન્ટ થેલીઓ વપરાયા વિના પડી રહી છે અને હવે કામ આવે તેમ નથી તે મામલે મ્યુનિ. કમિશનરને તપાસ કરવા રજૂઆત કરવામાં આવશે. તપાસ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગ કરીશું. બીજી તરફ મ્યુનિ. કમિશનર સ્વપ્નીલ ખરેએ જણાવ્યું હતું કે, વર્ષ 2020-21 માં જન ભાગીદારીથી કામો કરવા માટે સિમેન્ટ ખરીદી કરાઈ હતી. જે સિમેન્ટ બેગ બગડી જવા અંગે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. ડેપ્યુટી કમિશનરની આગેવાની હેઠળની તપાસ સમિતિમાં અન્ય ચાર સભ્ય રહેશે. જે 25 ફેબુ્રઆરી સુધીમાં રીપોર્ટ સોંપશે અને ત્યારબાદ આગળ નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે.