Get The App

સુરત પાલિકાની ડ્રેનેજ લાઈનમાં કેમિકલવાળા પાણીના કારણે 40 એમ.એલ.ડી.નો પ્લાન બંધ કરવો પડ્યો, સ્થિતિનો તાગ મેળવવા ચેરમેનની દોડાદોડી

Updated: Jan 2nd, 2025


Google NewsGoogle News
સુરત પાલિકાની ડ્રેનેજ લાઈનમાં કેમિકલવાળા પાણીના કારણે 40 એમ.એલ.ડી.નો પ્લાન બંધ કરવો પડ્યો, સ્થિતિનો તાગ મેળવવા ચેરમેનની દોડાદોડી 1 - image


Surat : સુરત શહેરના કેટલાક ઉદ્યોગો દ્વારા પાલિકાની ગટરમાં એસિડ અને કેમિકલવાળું પાણી છોડવામાં આવતું હોવાના કારણે પાલિકાના સેકન્ડરી પ્લાન્ટ ઉપરાંત ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ સામે જોખમ ઊભું થયું છે. ડ્રેનેજમાં કેમિકલવાળા પાણીના કારણે 40 એમ.એલ.ડી.નો  પ્લાન બંધ કરવો પડ્યો છે. છેલ્લા ચારેક દિવસથી ચાલતી આ મથામણ અંગેની જાણ થતાં ડ્રેનેજ કમિટિના ચેરમેન દોડતા થયાં. પાલિકાના બમરોલી ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને કેમિકલવાળું પાણી છોડતા એકમો પર પગલાં ભરવા સૂચના આપી છે. આ ઉપરાંત આ સમસ્યાનો કાયમી નિકાલ થાય તે માટે કામગીરી કરવા સુચના આપી છે. 

સુરત પાલિકાના ઉધના ઝોનમાં આવેલા કેટલાક ઔદ્યોગિક એકમો દ્વારા પાલિકાની ડ્રેનેજમાં કેમિકલ અને એસિડવાળું પાણી છોડવામાં આવી રહ્યું છે. કોઈ પણ જાતના ટ્રીટમેન્ટ વિના આ પાણી ડ્રેનેજમાં નાખવામાં આવતું હોવાથી પાલિકાના ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટને માઠી અસર થઈ રહી છે. હાલમાં બમરોલી ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં છેલ્લા ચારેક દિવસથી વધુ પડતા કેમિકલવાળું પાણી આવી રહ્યું છે.  જેના કારણે મશીનરીને નુકસાન થતાં ઉત્પાદન ક્ષમતાને માઠી અસર થઈ છે અને વધુ નુકસાન અટકાવવા માટે પ્લાન્ટ બંધ કરવો પડ્યો છે. 

સુરત પાલિકાની ડ્રેનેજ લાઈનમાં કેમિકલવાળા પાણીના કારણે 40 એમ.એલ.ડી.નો પ્લાન બંધ કરવો પડ્યો, સ્થિતિનો તાગ મેળવવા ચેરમેનની દોડાદોડી 2 - image

આ અંગેની જાણ થતાં આજે પાલિકાના ડ્રેનેજ કમિટીના અધ્યક્ષ કેયુર ચપટવાલાએ બમરોલી ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને તેઓએ જાણ્યું હતું કે ઉધના વિસ્તારમાંથી ઔદ્યોગિક એકમો દ્વારા ડ્રેનેજમાં કેમિકલવાળું પાણી નાખવામાં આવી રહ્યું છે તેના કારણે ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટની મશીનરી બગડી રહી છે અને વધુ નુકસાન ન થાય તે માટે બમરોલીનો 40 એમ.એમ.ડી.નો ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ કરવામાં આવ્યો છે. સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો કેચમેન્ટ એરિયા ઉધના-બમરોલી હોય અહીંના ઉદ્યોગો દ્વારા પાણી છોડવામાં આવી રહ્યું છે તેથી આ એકમો સામે ક઼ડક પગલાં ભરવા માટે સુચના આપવામાં આવી છે. 


Google NewsGoogle News