મોપેડની ડીકીમાંથી રોકડા ૪૦ હજાર ચોરી જતો ગઠિયો
વિદ્યાર્થિની એક બેન્કમાંથી રૃપિયા ઉપાડી અન્ય બે બેન્કમાં કામ માટે ગઇ હતી
વડોદરા,બેન્કમાંથી ૪૦ હજાર ઉપાડી મોપેડની ડીકીમાં મૂકી બીજી બેન્કમાં કામ માટે ગયેલી વિદ્યાર્થિનીના મોપેડમાંથી ચોર રૃપિયા ચોરી ગયો હતો. જે અંગે વારસિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ન્યૂ વી.આઇ.પી.રોડ બકોર નગરમાં રહેતી ખુશબૂ મનિષકુમાર અગ્રવાલ એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. વારસિયા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા. ૨૯ મી ઓક્ટોબરે હું બપોરે ત્રણ વાગ્યે સંગમ ચાર રસ્તા પર આવેલી બેન્ક ઓફ બરોડાની બ્રાંચમાં મોપેડ લઇને ગઇ હતી. બેન્કમાંથી ૪૦ હજાર ઉપાડીને બેન્કની બાજુમાં પાસબૂકની પ્રિન્ટ કઢાવવા માટે ગઇ હતી. પરંતુ, મશીન બંધ હોઇ પાસબૂકની પ્રિન્ટ થઇ નહતી. ત્યાંથી હું અર્થ આઇકોનમાં આવેલી સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં પૈસા એક્સચેન્જ કરાવવા માટે ગઇ હતી. મેં બહારના ભાગે મોપેડ પાર્ક કર્યુ હતું. ત્યારબાદ વારસિયા રીંગ રોડ પરની સ્ટેટ બેન્કમાં ગઇ હતી. બેન્કમાંથી બહાર આવીને મોપેડની ડીકીમાં મૂકેલા ૪૦ હજાર ચેક કરતા મળ્યા નહતા.