પોરબંદર-રાજકોટ વચ્ચે 180 કિ.મી.માં આવતા 4 ટોલનાકા બન્યા 'લૂંટનાકા'
ચારમાંથી બે ટોલનાકા દૂર કરવા માંગ શહેરની ત્રિજયાના નિયમ મુજબ ૨૫ કિ.મી.ના વિસ્તારના લોકલ પાસિંગ વાહનોને ટોલટેક્સમાંથી મુક્તિ આપવા કેન્દ્રીય મંત્રીને રજૂઆત
પોરબંદર, : પોરબંદરથી રાજકોટ સુધીના માત્ર 180 કિ.મી.ના હાઇવે પર ચાર-ચાર ટોલનાકા લોકોને લૂંટી રહ્યા છે અને કિ.મી.ની ત્રિજયાના નિયમનો પણ ભંગ થઇ રહ્યો છે તેમ જણાવીને કેન્દ્રીય મંત્રીને વિસ્તૃત રજૂઆત કરી ચારમાંથી બે ટોલનાકા જ ચાલુ રાખવા જોઇએ તેવી માંગ કરી છે.
આ 180 કિ.મી.ના અંતરમાં 4 ટોલનાકા આવેલ છે. નિયમ મુજબ પોરબંદરથી 80 કિ.મી. પછી પહેલો ટોલટેક્સ હોવો જોઇએ અને બે ટોલનાકા વચ્ચેનું અંતર 80 કિ.મી. કરતા વધારે હોવું જોઇએ તેના બદલે પોરબંદર શહેરની હદ મુકતાની સાથે જ માત્ર 10 કિ.મી.ના અંતરે જ વનાણા ટોલનાકું આવી જાય છે અને ત્યારબાદ 3-3 ટોલનાકા ખાતે વાહનચાલકોને ટેક્સ ચૂકવવો પડે છે. પોરબંદરથી રાજકોટ પહોંચતા સુધીમાં જ ચાલકોએ 330 રૂપિયા જેટલો જંગી ટેક્સ ચૂકવવો પડે છે.
પોરબંદર સુધરાઈ સભ્યએ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે સમગ્ર ગુજરાત રાજ્યમાં અને કદાચ સમગ્ર દેશમાં કોઇ એવા શહેર નહીં હોય કે જ્યાંથી નીકળતા 180 કિ.મી.ના અંતરે ચાર-ચાર ટોલનાકા આવતા હોય. માત્ર ગાંધી અને સુદામાની નગરી સાથે આ અન્યાય થઇ રહ્યો છે ત્યારે 4 ટોલનાકામાંથી તાત્કાલીક અસરથી બે ટોલનાકા દૂર કરવા જોઇએ અને શહેરની ત્રિજયાના નિયમ મુજબ શહેરની 25 કિ.મી.ની ત્રિજયામાં લોકલ પાસિંગ વાહનોને ત્રણે દિશાના ટોલટેક્સમાંથી મુક્તિ જોઇએ.
પોરબંદર શહેરની બહાર થવા માટેની ત્રણેય દિશામાં વનાણા તરફ, પોરબંદરથી કુછડી તરફ અને પોરબંદરથી માધવપુર તરફ શહેરની બહાર નીકળતા જ શહેરના ગેટ જેમ ટોલનાકા આવેલા છે જે પોરબંદરના સ્થાનિક લોકો માટે ખુબ જ પીડાદાયક છે અને આર્થિક રીતે પોરબંદરની કમર તોડી નાખી છે. જેથી આ બાબતે યોગ્ય કરવા અને શહેરની બહાર નીકળતા જ આવતા ટોલનાકામાંથી લોકલ પાસિંગની મુક્તિ આપવી જોઇએ. પોરબંદરથી ખુબ જ નજીક ટોલનાકા આવેલ હોવાથી કોઇપણ કામઅર્થે આજુબાજુના ગામોમાં જતા ફોરવ્હીલ ચાલકોને નાછૂટકે તોતિંગ ટેક્સ ચૂકવવો પડે છે જેથી લોકલ પાસિંગની ત્રણે દિશાના ટોલટેક્સમાંથી મુક્તિ મળે તેવી વ્યવસ્થા કરવા અને તે માટે જવાબદારોને યોગ્ય સૂચના કરવા માંગ કરાઇ છે.
તાજેતરમાં સૌરાષ્ટ્ર-ગુજરાતના ટોલનાકા ઉપર ટોલટેક્સમાં અસહ્ય ભાવવધારો કરવામાં આવ્યો છે તે તદ્દન ગેરવ્યાજબી છે. દરેક વાહન મુજબ ભાવવધારો અમલી કરી દેવામાં આવ્યો છે ત્યારે આ ટોલટેક્સના કારણે ખાનગી વાહનચાલકોએ રાણાવાવ જવું હોય તો પણ વિચાર કરવો પડે જેથી આ કમર તોડ ભાવવધારો હોય ભાવ ઘટાડવા યોગ્ય કરવા જણાવાયું છે.