P.I પર હુમલો કરી ફરાર બૂટલેગર સહિત 4 શખ્સ પકડાયા
જૂનાગઢ તાલુકાના પાદરીયા નજીક લગ્ન પ્રસંગમાં રાજસ્થાનના જોધપુરની હોટલમાંથી સ્થાનિક પોલીસની મદદથી LCB ચારેયને હસ્તગત કરી જૂનાગઢ લઈ આવી
જૂનાગઢ, : જૂનાગઢના પાદરીયા નજીકથી બે દિવસ પહેલા પીઆઈ પર હુમલો કરી ફરાર થઈ ગયેલા બુટલેગર સહિત ચાર શખ્સને એલસીબીએ રાજસ્થાનના જોધપુરની હોટલમાંથી પકડી લઈ જૂનાગઢ લઈ આવી હતી. આ શખ્સોની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી એસએમસીએ પકડેલા દારૂના ગુનામાં બુટલેગર લખન મેરૂ ચાવડા ફરાર હતો. ત્રણ દિવસ પહેલા લખન મેરૂ ચાવડા પાદરીયા નજીક આવેલા ફાર્મ ખાતે લગ્નમાં આવ્યો હોવાની બાતમીના આધારે તપાસનીશ અધિકારી વી.જે. સાવજ સહિતનો સ્ટાફ પકડવા ગયો ત્યારે બુટલેગર લખન મેરૂ ચાવડા તેમજ આઠ અજાણ્યા શખ્સોએ પોલીસ પર હુમલો કર્યો હતો. બાદમાં બુટલેગર સહિતના શખ્સો નાસી ગયા હતા. ફરાર બુટલેગર રાજસ્થાનના જોધપુરમાં આવેલી હોટલ ડેઝલમાં છુપાયો હોવાની બાતમી મળી હતી. જેના આધારે એલસીબીના પીએસઆઈ ડી.કે. ઝાલા, વાય.પી. હડીયા સહિતના સ્ટાફે રાજસ્થાનના જોધપુર જઈ સ્થાનિક પોલીસની મદદથી હોટલ ડેઝલમાંથી લખન મેરૂ ચાવડા તથા તેને કારમાં જોધપુરમાં લઈ જનાર સુનિલ લાખા ભારાઈ, અલી ઉર્ફે બબલુ રફીક મકરાણી અને જયેશ ઉર્ફે ઈલુ અશોક ગાંગડીયાને પકડી લઈ જૂનાગઢ લઈ આવી અટકાયત કરી હતી.
એલસીબી પીઆઈ જે.જે. પટેલે જણાવ્યું હતું કે, લખન મેરૂ ચાવડા સામે દારૂ સહિતના 37 ગુના, સુનિલ લાખા ભરાઈ સામે 8, અલી ઉર્ફે બબલુ રફીક મકરાણી સામે 24 અને જયેશ ઉર્ફે ઈલુ અશોક ગાંગડીયા સામે 16 ગુના નોંધાયેલા છે. આ શખ્સો પાસેથી 1 કાર, 6 મોબાઈલ, 21,900 રૂપીયા રોકડા કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.