માતરના ગરમાળાના 4 શખ્સોને એટ્રોસિટીના કેસમાં 3 વર્ષની સજા
- નડિયાદ સ્પે. સેશન્સ કોર્ટે 10 હજારનો દંડ પણ ફટકાર્યો
- ડાંગર રોપવા બાબતે જમીન માલિકને જાતિ અપમાનિત કરી મારી નાખવાની ધમકી આપી હતી
મરાલા ગામમાં ફરિયાદીનો પરિવાર રહી ખેતી કરી ગુજરાન ચલાવે છે. તેમની માતા અંબાબેન માધાભાઈ રોહિતના નામે ગરમાળા ગામમાં વારસામાં મળેલી સર્વે નં.-૯૩૮વાળી જમીનનો વહીવટ ફરિયાદી કરે છે. આરોપીઓ મહેબુબમિયા મલેકમિયા મલેક, અબ્દુલમિયા મલેકમિયા મલેક, જાકીરમિયા અબ્દુલમિયા મલેક, રફીકમિયા બશીરમિયા મલેક (તમામ રહે. ગરમાળા, તા-માતર)એ તા-૦૯/૦૧/૨૦૨૨ના રોજ ફરિયાદની જમીનમાં ડાંગરની રોપણી કરાવતા હતા. ત્યારે ફરિયાદી અને સાહેદે જઈ કહેતા કોને પૂછીને ખેતરમાં ડાંગરની રોપણી કરો છો.
ત્યારે ઉપરોક્ત તમામ આરોપીઓએ જાતિ અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરવામાં એક બીજાને મદદગારી કરી હતી. આ અંગે માતર પોલીસે એટ્રોસિટી હેઠળ ગુનો નોંધી ચાર્જશીટ સેશન્સ કોર્ટમાં રજૂ કર્યું હતું.
આ કેસ ચાલી જતા નડિયાદના સ્પે. સેશન્સ જજ પી.પી. પુરોહિતે ચાર આરોપીઓને એટ્રોસિટીના ગુનામાં ૩ વર્ષની કેદ અને પાંચ હજારનો દંડ ફટકાર્યો છે. અન્ય કલમો હેઠલ પાંચ હજાર મળી કુલ ૧૦ હજારનો દંડ આરોપીઓને કોર્ટે કર્યો છે.