છોટાઉદેપુરમાં એક જ પરિવારના 4 સભ્યો ચૂંટણી મેદાને, પતિ-પત્ની એક જ વૉર્ડમાં તો બે પુત્રોની અલગ અલગ ઉમેદવારી
Municipal Elections in Chhota Udepur: છોટાઉદેપુર નગરપાલિકામાં સોમવારે ચૂંટણી યોજાઈ રહી છે. આ ચૂંટણીમાં એક જ પરિવારના ચાર સભ્યોએ ઉમેદવારી નોંધાવી છે. જેમાં પતિ-પત્ની અને તેમના બે પુત્રોનો સમાવેશ થાય છે. પતિ-પત્ની એક જ વોર્ડમાંથી જ્યારે પુત્રોએ અલગ અલગ વોર્ડમાંથી ચૂંટણી લડી રહ્યા છે. છોટાઉદેપુર નગરપાલિકાના વોર્ડ નં.6માં હાજી ફારૂક મોહંમદ ફોદાએ ભારત નિર્માણ મંચમાંથી ઉમેદવારી નોંધાવી છે. તો આ જ વોર્ડમાં તેમના પત્ની સાબેરાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જ્યારે પુત્ર આરીફે ભાજપામાંથી વોર્ડ નં.3માં અને બીજા પુત્ર રમઝાને કોંગ્રેસમાંથી વોર્ડ નં.4માં ઉમેદવારી નોંધાવી છે.
'અમારા વચ્ચે મતભેદનું કારણ નથી'
ફારૂકભાઈ ફોદાનુ કહેવું છે કે, 'હું 1991થી એટલે કે 6 ટર્મથી કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવુ છું. ચાર ટર્મ અપક્ષ અને બે ટર્મ કોંગ્રેસની પેનલમાંથી ચૂંટણી લડ્યો હતો. ગત ટર્મમાં કોંગ્રેસ ટિકિટ નહીં આપતા અપક્ષ પેનલમાં ઉમેદવારી કરી હતી અને જીત્યો હતો. આ વખતે મારા પત્નીએ મારી સામે જ અપક્ષ ઉમેદવારી કરી છે. તેમા અમારા પતિ-પત્ની વચ્ચે મતભેદનું કારણ નથી, પરંતુ રાજકીય પાર્ટીઓ મારૂ ફોર્મ રદ કરવાના પ્રયત્નો કરતા હતા એટલે મારી પત્નીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જો કે મારૂ ફોર્મ યથાવત રહ્યુ છે.'
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, 'જ્યારે મારા બન્ને પુત્રો અલગ અલગ પાર્ટીમાંથી અલગ અલગ વોર્ડમાં ચૂંટણી લડે છે. મારા બન્ને પુત્રોએ ભાજપામાંથી ટિકિટ માગી હતી.પરંતુ કોઈ કારણસર રમઝાનને ભુજપાએ ટિકિટ નહીં આપતા તે કોંગ્રેસમાંથી લડી રહ્યો છે. બંને પુત્રો પ્રથમ વખત જ ચૂંટણી લડી રહ્યા છે.'