આંકલાવ પાલિકાના 2 વોર્ડ માટે 4 અપક્ષોની દાવેદારી : ઓડ અને બોરિયાવીમાં નિરસતા
- ઉમેદવારીપત્ર ભરવાના બીજા દિવસે ઓડ, બોરિયાવીમાં એક પણ ફોર્મ ન ભરાયું
- આંકલાવ પાલિકાની ચૂંટણી માટે ભાજપના નિરીક્ષક સમક્ષ ૩૯ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી : નિરીક્ષકો દ્વારા છેલ્લી ઘડીએ યાદી જાહેર કરાય તેવી શક્યતા
ગ્રામ પંચાયતમાંથી વર્ષ ૨૦૦૦માં નગરપાલિકાનો દરજ્જો મેળવનારી આંકલાવ પાલિકામાં અત્યારસુધીમાં એકપણ વખત ભાજપ પ્રમુખપદ મેળવી શક્યું નથી. ત્યારે આંકલાવમાં સત્તા મેળવવા માટે ભાજપ દ્વારા અને પુનઃ સત્તા મેળવવા માટે કોંગ્રેસ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.
નાવલી ખાતે આવેલા ભાજપ કાર્યાલય કમલમમાં આંકલાવ, ઓડ અને બોરિયાવી પાલિકાની સામાન્ય ચૂંટણીઓ માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આંકલાવ નગરપાલિકાની ડિસેમ્બર-૨૦૨૧માં ટર્મ પૂરી થઈ હતી. ત્યારસુધી પાલિકાના સાત વોર્ડ માટે ૨૧ સભ્યોની ચૂંટણી થતી હતી.
જોકે, નવા વોર્ડ સીમાંકન બાદ પાલિકામાં છ વોર્ડ માટે ૨૪ સભ્યોની ચૂંટણી યોજાશે. તેવામાં ભાજપના નિરીક્ષક સમક્ષ છ વોર્ડ માટે કુલ ૩૯ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. નિરીક્ષકો દ્વારા એક દિવસમાં ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ છે. સામાપક્ષે કોંગ્રેસ સમર્થકો દ્વારા અંદરખાને ચૂંટણી જીતી શકે તેવા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પૂરી થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે.
ઓડ, બોરિયાવી અને આંકલાવ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરાવા લાગ્યા છે. તેવામાં ઉમેદવારી પત્ર ભરવાના બીજા દિવસે પણ ઓડ અને બોરિયાવી પાલિકા માટે એકપણ ઉમેદવારીપત્ર ભરાયું નથી. જ્યારે આંકલાવ પાલિકા માટે મંગળવારે વોર્ડ નં.૨માં બે અપક્ષ ઉમેદવારો અને વોર્ડ નં.૩માં બે અપક્ષ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ત્રણેય પાલિકાઓમાં ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, તેની વચ્ચે કેટલાક ઉમેદવારો દ્વારા પોતાના વોર્ડમાં કોણ કોણ ફોર્મ ભરે છે તે અંગે ચુપકીદીથી ખેલ જોઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. ભાજપ દ્વારા પસંદગી પ્રક્રિયા પૂરી કરી આવતીકાલ સુધીમાં ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ છે જ્યારે કોંગ્રેસમાં પણ સમર્થકો દ્વારા હજૂ ઉમેદવારી પત્ર ભરવામાં જરૂરી દસ્તાવેજો એકત્ર કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.