બગસરામાં સાંબેલાધારે 4 ઈંચ વરસાદ: 3 સિસ્ટમ સક્રિય

Updated: Aug 24th, 2024


Google NewsGoogle News
બગસરામાં સાંબેલાધારે 4 ઈંચ વરસાદ: 3 સિસ્ટમ સક્રિય 1 - image


સૌરાષ્ટ્રમાં આજથી 'યલો' અને 'ઓરેન્જ' એલર્ટ : રાણપુર અને ગોંડલ પંથકમાં 2  ઈંચ, ધારીમાં દોઢઈંચ મેઘમહેર: અમરેલી જિલ્લાની નદીઓમાં પૂર : ખોડિયાર ડેમ ફરી ઓવરફલો : વીજળી પડતા ભેંસનું મોત

રાજકોટ, : સૌરાષ્ટ્રમાં ચોમાસુ ફરી સક્રિય થવા સાથે બંગાળની ખાડીઅને અરબી સમુદ્રમાં સર્જાયેલા લો-પ્રેશરની ત્રણ સિસ્ટમનાં કારણે હાલ સાતમ આઠમનાં તહેવારો સમયે જ વરસાદનું જોર વધ્યું છે. આજે છૂટા - છવાયા ઝાપટાં વચ્ચે ચાર ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો. હવે આવતીકાલે શનિવારથી પાંચ દિવસ સૌરાષ્ટ્રનાં અલગ - અલગ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા 'યલો' અને 'ઓરોન્જ' એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજકોટ જિલ્લામાં આજે ધૂપછાંવનાં માહોલ વચ્ચે છૂટાછવાયા ઝાપટાં વરસ્યા હતાં. ગોંડલનાં વાસાવડ ગામે ધીમીધારે બે ઈંચ તો કેશવાળા, ધરાળા, રાવણા, મોટી ખીલોરી, પાટ ખીલોરી વગેરે ગામોમાં એકથી દોઢ ઈંચ મેઘમહેર વરસી હતી. એ જ રીતે આજે ભાવનગરનાં રાણપુરમાં ધોધમાર 2 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જયારે ભાવનગર- વલ્લભીપુરમાં જોરદાર ઝાપટાથી માર્ગો પર પાણી ફરી વળ્યા હતાં.

અમરેલી જિલ્લામાં આજે 'ઓરેન્જ' એલર્ટની આગાહી વચ્ચે બગસરામાં વહેલીસવારે સાંબેલાધારે વરસાદ વરસી પડયો હતો અને બે કલાકમાં ગાજવીજ સાથે ચાર ઈંચ પાણી ઠાલવી દેતાં સર્વત્ર જળબંબાકાર થઈ ગયો હતો. એ જ રીતે આજે ધારીમાં દોઢ ઈંચ વરસાદ પડયો હતો. આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં સારા વરસાદથી ખોડિયાર ડેમ ઓવરફલો થતાં બે દરવાજા એક ફૂટ ખોલીને હેઠવાસનાં ગામોને એલર્ટ કરાયા હતાં. આજે અમરેલી અને જાફરાબાદમાં પણ જોરદાર ઝાપટાંથી માર્ગો પાણી પાણી થઈ ગયા હતાં. ધારીનાં કૂબડા ગામની નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. અને અહીં વીજળી પડતા એક ભેંસનું મોત થયું હતું.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સૌરષ્ટ્રમાં તા. 24 અને તા. 25મીએ ઓરેન્જ એલર્ટ સાથે અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારેથી અતિભારે તેમજ ચયલો એલર્ટ સાથે રાજકોટ, જૂનાગઢ, સોમનાથ, બોટાદ, સુ.નગર અને દીવમાં ભારે વરસાદની સંભાવના છે. એ જ રીતે તા.૨૬મીએ સોમવારે જન્માષ્ટમીનાં દિવસે રાજકોટ, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર તો તા. 27મીએ મંગળવારે રાજકોટ, સુરેન્દ૩નગર, જામનગર, મોરબી, દ્વારકા ઉપરાંત તા. 28મીએ બુધવારે રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને દ્વારકા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરાઈ છે.


Google NewsGoogle News