ફોરેકસ ટ્રેડિંગના નામે 3 કરોડનો પ્રોફિટ બતાવી 75 લાખ પડાવી લેનાર ગેંગના 4 મદદગાર પકડાયા
Vadodara Fraud Case : ફોરેક્સમાં ટ્રેડિંગ કરવાના નામે 75 લાખની ઠગાઈ કરનાર ટોળકીને બેન્ક એકાઉન્ટની સવલત આપનાર વડોદરાના ચાર સાગરીતોને વડોદરા સાયબર સેલે ઝડપી પાડ્યા છે.
વડોદરાના એક ઇન્વેસ્ટરને સોશિયલ મીડિયા પર સંપર્ક થયા બાદ ફોરેક્સમાં ટ્રેડિંગ કરીને 10 થી 20 ટકા પ્રોફિટ અપાવવાની લાલચ આપી વેબસાઈટ પર એકાઉન્ટ ખોલાવનાર ટોળકીએ તબક્કાવાર ઇન્વેસ્ટમેન્ટ કરાવીને 75 લાખ રૂપિયા પડાવી દીધા હતા.
ઠગ ટોળકી દ્વારા ખોલવામાં આવેલા એકાઉન્ટમાં 4.73 લાખ ડોલર (રૂ.ત્રણ કરોડ ઉપરાંત)નો પ્રોફિટ દેખાતો હતો. પરંતુ ઇન્વેસ્ટરે જ્યારે આ રકમ ઉપાડવા માટે પ્રયાસ કર્યો ત્યારે ઠગોએ 30 ટકા ટેક્સના નામે વધુ રકમની માંગણી કરી હતી. જેથી ઇન્વેસ્ટરને પોતાની સાથે ઠગાઈ થઈ છે તેમ સમજાઈ ગયું હતું.
આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે જે બેંક એકાઉન્ટમાં રૂપિયા ગયા હતા તેની તપાસ કરી ઠગ ટોળકીને બેન્ક એકાઉન્ટની સવલત કરી આપનાર વડોદરાના ચાર યુવકોને ઝડપી પાડ્યા છે. પકડાયેલાઓમાં (1) એકાઉન્ટ હોલ્ડર ફરદીન રૂકનુદિન સૈયદ (2) ફર દિનનું એકાઉન્ટ ખોલવા માટે એજન્ટની ભૂમિકા ભજવનાર ફયાઝઉદ્દીન સલાઉદીન સૈયદ (બંને રહે.અજબડી મીલ રોડ) (3) બેન્ક એકાઉન્ટ મોહસીનને આપનાર ઇમરાન કાદરભાઈ શેખ (રહે યાકુતપુરા)અને (4) અન્ય આરોપીને આ એકાઉન્ટની સુવિધા આપનાર મોહસીન ગુલામ હસન શેખ (તાંદલજા) નો સમાવેશ થાય છે.