પોરબંદરથી કારમાં નાસ્તો કરવા જતા 4 મિત્રોને અકસ્માત: 1નું મોત
ધરમપુર અને વનાણા ટોલનાકા વચ્ચે કાર ડિવાઇડર સાથે અથડાઇ : રાજલ-વેજલ માતાજીનાં મંદિર પાસે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવનાર કાર ચાલક સહિત અન્ય ત્રણેય મિત્રો ઘાયલ, કારની જોરદાર ટક્કરથી લોખંડની ગ્રીલનો બુકડો
પોરબંદર, : પોરબંદરના ચાર મિત્રો કારમાં ગઇકાલે રાત્રે નાસ્તો કરવા માટે વનાણા ટોલનાકા પાસે જતા હતા ત્યારે ધરમપુર અને વનાણા ટોલનાકા વચ્ચે રાજલ-વેજલના મંદિર પાસે કાર ડિવાઇડર સાથે અથડાઇને લોખંડની ગ્રીલ સાથે ભટકાઇ હતી જેમાં અકસ્માતના આ ગંભીર બનાવમાં ઘવાયેલા ચારેય યુવાનોને સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલે લવાયા બાદ એક યુવાનને વધારાની સારવાર માટે રાજકોટ લઇ જવાતા ત્યાં તેનું મોત થયું છે.
બનાવની વિગત એવી છે કે પોરબંદરના વીરડીપ્લોટ વણકર સમાજની પાસે રહેતા નરસીભાઇ નાજાભાઇ મકવાણા દ્વારા એવી પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે કે ગઇકાલે રાત્રે તેનો પુત્ર સાહિલ (ઉ.વ.૧૯) 'પપ્પા તમે જમી લો, હું મારા મિત્રો સાથે બહાર જઇ આવું અને થોડીવારમાં આવું છું' એમ કહી ઘરેથી નીકળી ગયો હતો.રાત્રે સાડા નવ વાગ્યે તેમના પુત્ર સાહિલના મિત્ર શૈલેષ મકવાણાનો એવો કોલ આવ્યો હતો કે સાહિલને અકસ્માતમાં ઇજા થઇ છે. સિવિલ હોસ્પિટલ પહોંચતા ખબર પડી કે કડિયાપ્લોટના સૂરજ દિલીપભાઇ શીંગરખીયા (ઉ.વ.૧૮), જયદીપ મધુભાઇ પરમાર (ઉ.વ.૨૨), વીરડીપ્લોટના શૈલેષ કરશનભાઇ મકવાણા (ઉ.વ.૨૩) અને ફરીયાદીના પુત્ર સાહિલ નરસીભાઇ મકવાણા (ઉ.વ. ૧૯)ને ગંભીર ઇજાઓ થઈ છે.
ચારેય મિત્રો વનાણા ટોલનાકા ખાતે ચા-નાસ્તો કરવા માટે જતા હતા અને કાર જયદીપ પરમાર ચલાવતો હતો. કોઇ કારણસર રાજલ-વેજલ માતાજીના મંદિર પાસે જયદીપે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર પલ્ટી મારી ગઇ હતી અને ડીવાઇડર સાથે અથડાઇ હતી. અકસ્માતની ગંભીરતા એટલી હતી કે લોખંડની ગ્રીલ પણ ભાંગી તૂટી ગઇ હતી. સાહિલના અન્ય ત્રણ મિત્રોને સારવાર માટે ભાવસિંહજી હોસ્પિટલે લવાયા હતા અને મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇ ગયા હતા પરંતુ નરસીભાઇના પુત્રને વધુ ગંભીર ઇજા થઇ હોવાથી રાજકોટ ખાતે ખાનજી હોસ્પિટલમાં લઇ જવાયો હતો અને ત્યાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરતા બે કલાકની સારવાર બાદ વહેલી સવારે સાડા ચાર વાગ્યે સાહિલનું મોત થયું હતું. તેના મૃતદેહને પોરબંદરની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો અને બેફિકરાઇથી કાર ચલાવીને અકસ્માત સર્જી પુત્રનું મોત નિપજાવવાનો ગુન્હો જયદીપ સામે નોંધાયો છે.