બોલેરો પીકઅપમાંથી ટ્રાવેલ્સ બસમાં જ્વલંતશીપ પ્રવાહી ભરતા ૪ ઝડપાયા
- તળાજા પોલીસે 2000 લીટર જ્વલંતશીલ પ્રવાહીનો જથ્થો કબજે કર્યો
- મહુવા ચોકડી પાસે વહેલી સવારે પીકઅપ વાહનને એસેમ્બલ કરી બંધ બોડીનો ટાંકો બનાવી ગેરકાયદેસર જ્વલંતશીલ પ્રવાહી ભરતા હતા
ભાવનગર : તળાજાની મહુવા ચોકડી પાસે ખાનગી ટ્રાવેલ્સની ઓફીસ સામે બોલેરો પીકઅપ વાહનને એસેમ્બલ કરી તેમાં બંધ બોડીનો ટાંકો બનાવી ગેરકાયદેસર જ્વલંતશીલ પ્રવાહી ટ્રાવેલ્સમાં ભરતા ચાર શખ્સોને તળાજા પોલીસે આજે વહેલી સવારે ઝડપી લઈ તળાજા પોલીસ મથકમાં ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
તળાજાની મહુવા ચોકડી પાસે આવેલી ભુમી ટ્રાવેલ્સની ઓફિસની સામે એક બોલેરો પીકઅપમાંથી ભુમી ટ્રાવેલ્સની લકઝરી બસમાં ગેરકાયદેસર ડિઝલને મળતું-ભળતું જ્વલંતશીલ પ્રવાહી કોઈ પણ ફાયર સેફ્ટીના સાધનો વગર ભરી આપવામાં આવતું હોવાની બાતમીના આધારે તળાજા પોલીસે તપાસ કરતા જીજે-૧૪-એક્સ-૮૨૦૩ નંબરના પીકઅપ વાહનમાંથી જીજે-૦૫-સીડબલ્યુ-૯૯૨૨ નંબરની લક્ઝરી બસમાં જ્વલંતશીલ પ્રવાહી ભરી રહેલા પીકઅપ વાહનના ડ્રાઈવર કેતન પ્રવિણભાઈ ભીલ (રહે.સાંકડાસર નં.૧) અને ક્લિનર અમીર અનવરખાન પઠાણ (રહે. તળાજા) તથા લક્ઝરી બસના ડ્રાઈવર આદમ અલીભાઈ કાળવાતર (રહે.મહુવા) અને બસના ક્લિનર દિલાવર આમનભાઈ ગાહા (રહે.ડુંગર કલ્યાણનગર, રાજુલા) ને ઝડપી લઈ તળાજા પોલીસ મથકમાં ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે તળાજા પોલીસે બોલેરો પીકઅપ વાહન અને વાહનને એસેમ્બલ કરી બનાવેલા ટાંકામાં ભરેલા કુલ ૨૦૦૦ લીટર જ્વલંતશીલ પ્રવાહી તથા લક્ઝરી બસ અને બસની ડિઝલની ટાંકીમાં ભરેલા આશરે ૩૦૦ લીટર જ્વલંતશીલ પ્રવાહી મળી કુલ રૂ.૧૬.૮૪ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. તેમજ જ્વલંતશીલ પ્રવાહીના સેમ્પલ લઈ તપાસ અર્થે એફએસએલમાં મોકલવાની તજવીજ પણ હાથ ધરી હતી.
નમકીનના પીકઅપ વાહનમાં જ્વલંતશીલ પ્રવાહીની હેરફેર થતી હતી
તળાજામાં મહુવા ચોકડી પાસે ટ્રાવેલ્સ બસોમાં ગેરકાયદેસર રીતે જ્વલંતશીલ પ્રવાહી ભરવામાં આવતું હોવાની મહુવા એએસપીને મળેલી બાતમીના આધારે આજે વહેલી સવારે તપાસ કરતા કોઈને શંકા ના પડે તે માટે પીકઅપ વાહન પર નમકીનનું બોર્ડ લગાવેલું હતું પરંતુ ખરેખર પીકઅપ વાહનને એસેમ્બલ કરી તેમાં ટાંકો અને મીટર ગોઠવી જ્વંલતશીલ પ્રવાહીની હેરફેર થતી હતી.