ભાવનગર-બોટાદ પંથકમાં 4 સ્થળેથી દારૂની 394 બોટલ પકડાઈ
- ભાવનગર બસ સ્ટેન્ડ પાસેથી દારૂના મોટા જથ્થા સાથે 2 મહિલા ઝડપાઈ
- દાઠા, નિલમબાગ, ભાવનગર રેલવે અને ધંધુકા પોલીસ મથકમાં અલગ-અલગ 7 શખ્સો સામે ગુનો નોધાયો
બનાવની પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે ભાવનગર લોકલ ક્રાઈમબ્રાંચે બાતમીના આધારે ભાવનગર બસ સ્ટેશન પાસે મેડિકલ કોલેજ તરફ જવાના રસ્તેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ ૩૩૭ બોટલ સાથે રેશમાબેન રોમેશભાઈ પરમાર અને લતાબેન કૈલાશભાઈ પરમાર (બન્ને રહે. આડોડિયાવાસ)ને ઝડપી લઈ નિલમબાગ પોલીસ મથકમાં ગુનો નોંધ્યો હતો. આ સિવાય ગઈકાલે દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં રહેલી ભાવનગર લોકલ ક્રાઈમબ્રાંચે બાતમીના આધારે તળાજા તાલુકાના જુના રાજપરા ગામે રહેતા નટુભાઈ કાળુભાઈ મકવાણાના રહેણાંકી મકાન પાસે આવેલી કડબમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ ૫૪ બોટલ મળી આવી હતી અને દારૂનો આ જથ્થો તેને તેના ગામના નટુ બાબુભાઈ મકવાણા આપી ગયો હોવાનું જણાવતા ઉક્ત બન્ને વિરૂદ્ધ દાઠા પોલીસ મથકમાં ગુનો નોંધ્યો હતો. તેમજ આજે સવારે ભાવનગર રેલવે સ્ટેશન પર આવેલી ઉધમપુર-ભાવનગર ટ્રેનમાંથી ઉતરેલા જયરાજ જીતુભાઈ સોલંકી (રહે. ઉસરડ, તા.સિહોર) નામના શખ્સને ભારતીય બનાવટની વિદેશી દારૂની બે બોટલ સાથે ભાવનગર રેલવે પોલીસે ઝડપી લઈ ગુનો નોંધ્યો હતો. આ ઉપરાંત ધંધુકા-ધોલેરાના જાહેર રોડ પર વિદેશી દારૂની અડધી બોટલ સાથે સંજય ઉર્ફે ડેડો બટુકભાઈ મકવાણા અને પ્રવિણ સવજીભાઈ ડાભી (બન્ને રહે. ધંધુકા) ને ધંધુકા પોલીસે ઝડપી લઈ ગુનો નોંધ્યો હતો.